માંડવી તાલુકાના રાજપુતબોરી ગામની સીમમાં કિમ-માંડવી રોડ પર સર્જાયેલા એક માર્ગ અકસ્માતમાં ૪૯ વર્ષીય મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. પૂરઝડપે જતી મોટરસાયકલ સ્લિપ થઈ જતાં સર્જાયેલા આ અકસ્માતમાં મહિલા સહિત બે બાળકો અને ચાલકને પણ ઈજાઓ પહોંચી હતી. પોલીસે આ મામલે મોટરસાયકલ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, ગત તારીખ ૨૭/૦૨/૨૦૨૬ના રોજ સવારે ૧૦:૦૦ વાગ્યાના અરસામાં ઈશ્વરભાઈ ભીખાભાઇ હળપતિ (રહે.ગોદાવાડી, માંડવી) પોતાની હીરો સ્પલેન્ડર મોટરસાયકલ પર પત્ની મનુબેન (ઉ.વ.૪૯), પૌત્ર અંશ (ઉ.વ.૦૫) અને પૌત્રી વિધી (ઉ.વ.૦૨) ને બેસાડીને બૌધાન ગામે સંબંધીને મળવા જઈ રહ્યા હતા. રાજપુતબોરી ગામની સીમમાં રોડ પર અચાનક મોટરસાયકલ સ્લિપ થઈ જતાં ચારેય જણા રોડ પર પટકાયા હતા. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા મનુબેનને મોઢાના ભાગે ગંભીર ઈજા અને સાથળમાં ફ્રેક્ચર થયું હતું. તેઓને પ્રથમ માંડવી અને ત્યારબાદ સુરતની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન ગત તા. ૦૪/૦૩/૨૦૨૬ના રોજ રાત્રે ૧૦:૩૦ કલાકે તેમનું મોત નીપજ્યું હતું. અકસ્માતમાં બંને બાળકોને પણ નાની-મોટી ઈજાઓ પહોંચી હતી.મૃતક મહિલાના પુત્ર હિતેશભાઈ બુધીયાભાઈ હળપતિની ફરિયાદને આધારે માંડવી પોલીસે મોટરસાયકલ ચાલક ઈશ્વરભાઈ વિરુદ્ધ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

