માંડવી તાલુકાના અરેઠ ગામે ચાની લારી સામે ઊભા રહેવા જેવી સામાન્ય બાબતે એક શખ્સે ઉશ્કેરાઈ જઈ યુવકને બેફામ ગાળો આપી લાકડી વડે માર માર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ મામલે માંડવી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર ફરિયાદી યશ સંજયકુમાર મોદી (ઉ.વ.૨૯, રહે. અરેઠ) એ નોંધાવેલી ફરિયાદ મુજબ, ગત ૪ માર્ચના રોજ ધુળેટીના પર્વે તેઓ મિત્રો અને પરિવાર સાથે વરેલી ખાતે તાપી કિનારે ફરવા ગયા હતા. રાત્રિના આશરે ૮:૧૫ વાગ્યાના અરસામાં પરત ફરતી વખતે અરેઠ ગામના નવા ફળીયા પાસે તેમની મોટરસાયકલમાં પેટ્રોલ ખૂટી ગયું હતું. યશ અને તેનો મિત્ર પાર્થ પેટ્રોલ ખૂટી જતાં રસ્તામાં આવેલી લાલસિંગભાઈ ગુમાનભાઈ ચૌધરીની ચાની લારી સામે ઉભા રહી મિત્રને ફોન કરી રહ્યા હતા. આ દરમિયાન લાલસિંગ ચૌધરીએ ત્યાં આવી “મારી લારી સામે કેમ ઉભા છો?” તેમ કહી ઝઘડો શરૂ કર્યો હતો.તહોમતદારે આવેશમાં આવી જઈ યશને ગાળો આપી ઢીકમુક્કીનો માર માર્યો હતો અને નજીકમાં પડેલી લાકડી વડે માથા, પીઠ તથા બંને હાથના ભાગે સપાટા મારી ઈજાઓ પહોંચાડી હતી. એટલું જ નહીં, જતાં-જતાં “જો હવે પછી મળ્યા તો જાનથી મારી નાખીશું” તેવી ધમકી પણ આપી હતી.માંડવી પોલીસે આ મામલે લાલસિંગ ગુમાનભાઈ ચૌધરી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

