પલસાણા તાલુકાના બલેશ્વર ગામની સીમમાંથી પસાર થતા અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે નંબર ૪૮ પર ગત રાત્રિએ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક અજાણ્યા વાહન ચાલકે રોડ ક્રોસ કરી રહેલા આશરે ૩૫ વર્ષીય અજાણ્યા યુવકને જોરદાર ટક્કર મારતા યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જ્યા બાદ વાહન ચાલક પોતાનું વાહન લઈ અંધારાનો લાભ ઉઠાવી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, બલેશ્વર ગામના પૂર્વ સરપંચ ઉકાભાઈ શંકરભાઈ રાઠોડ ગત રોજ ૪થી માર્ચની રાત્રે આશરે ૧૦:૩૦ વાગ્યાના અરસામાં પોતાનું કામ પતાવી ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન બલેશ્વરની સીમમાં રીલીફ હોટલ પાસે લોકોનું ટોળું એકઠું થયેલું જોવા મળતા તેઓ ત્યાં ઉભા રહ્યા હતા. તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, એક અજાણ્યો યુવક પગપાળા હાઈવે ક્રોસ કરી રહ્યો હતો ત્યારે કોઈ અજાણ્યા વાહને તેને ગફલતભરી રીતે હંકારી લાવી અડફેટે લીધો હતો.ટક્કર એટલી જોરદાર હતી કે યુવકને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું સ્થળ પર જ મોત થયું હતું. હાજર રાહદારીઓએ તુરંત ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરતા યુવકને પલસાણા સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કરી મૃતદેહને પી.એમ. અર્થે ખસેડ્યો હતો.આ ઘટના અંગે બલેશ્વરના પૂર્વ સરપંચ ઉકાભાઈ રાઠોડે પલસાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

