તાપી જિલ્લામાં હોળી-ધૂળેટીના પર્વને લઈ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. જિલ્લાના મુખ્ય મથક વ્યારા અને સોનગઢ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં અબાલ-વૃદ્ધ સૌ કોઈએ પરસ્પર રંગ-ગુલાલ લગાવી ‘બુરા ન માનો હોલી હૈ’ના નાદ સાથે ધૂળેટીના પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી હતી.
ધૂળેટીના દિવસે વહેલી સવારથી જ વ્યારાના તળાવ કિનારા વિસ્તાર, કાકરાપાર રોડ અને સોનગઢના મુખ્ય બજારો અને ફળિયા તેમજ સોસાયટીઓમાં યુવાનોની ટોળીઓ રંગે રમતી જોવા મળી હતી.તો કેટલાક વિસ્તારમાં ડીજેના તાલે અને ઢોલ-નગારાના નાદ સાથે યુવાધન ઝૂમી ઉઠ્યું હતું.નાના ભૂલકાઓએ પિચકારીઓથી એકબીજાને ભીંજવ્યા હતા.જ્યારે મોટેરાઓએ પરંપરાગત રીતે એકબીજાને ગુલાલના તિલક કરી હોળીની શુભેચ્છાઓ પાઠવી હતી.
તાપી જિલ્લો તેની આદિવાસી પરંપરા માટે જાણીતો છે.ત્યારે ધૂળેટીના પર્વમાં પણ લોકસંસ્કૃતિની ઝલક જોવા મળી હતી. અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં પરંપરાગત હોળી નૃત્ય અને ગીતો સાથે ગ્રામજનોએ આ પર્વની ઉજવણી કરી હતી. સોનગઢ અને ઉચ્છલ-નિઝર પંથકમાં પણ લોકોએ એકતા અને ભાઈચારાના સંદેશ સાથે તહેવારની મજા માણી હતી.જિલ્લા પોલીસ તંત્ર દ્વારા પર્વને અનુલક્ષીને ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. જિલ્લામાં વ્યારા અને સોનગઢ સહિતના વિસ્તારોમાં કોઈપણ અનિચ્છનીય ઘટના વગર અત્યંત આનંદપ્રદ અને શાંતિપૂર્ણ માહોલમાં ધૂળેટીની ઉજવણી સંપન્ન થઈ હતી. સોશિયલ મીડિયા પર પણ ‘હેપ્પી હોલી’ના મેસેજ અને રંગબેરંગી તસવીરોનો મારો સતત જોવા મળ્યો હતો.

