Explore

Search

March 1, 2026

Contact us -7820092500

IAS Coaching

Local News : ઓલપાડના કારેલીમાં સુરત ગ્રામ્ય પોલીસનો સપાટો: મકાનમાંથી રૂ.૪૩.૮૭ લાખનો ગાંજો ઝડપાયો, ૩ આરોપીની ધરપકડ

સુરત ગ્રામ્ય પોલીસની ટીમે બાતમીના આધારે ઓલપાડ તાલુકાના કારેલી ગામે આવેલી એક સોસાયટીના મકાનમાં દરોડો પાડી મોટા પાયે ચાલતા નશાના કારોબારનો પર્દાફાશ કર્યો છે. પોલીસની આ કાર્યવાહીમાં ૮૭ કિલોથી વધુ ગાંજાનો જથ્થો અને લક્ઝરી કાર સહિત કુલ રૂ.૫૧.૩૮ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

મળતી માહિતી પ્રમાણે પોલીસને ખાનગી બાતમી મળી હતી કે ઓલપાડના કારેલી ગામની શામજીનગર સોસાયટીના મકાન નંબર ૧૨માં કેટલાક ઇસમો ગેરકાયદેસર ગાંજાનો જથ્થો સંગ્રહ કરી વેચાણ કરી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.સી. ચાવડા અને તેમની ટીમે શુક્રવારે સાંજે આ મકાન પર દરોડો પાડ્યો હતો. ઝડપાયેલ આરોપીઓ પોલીસે સ્થળ પરથી ત્રણ શખ્સોની ધરપકડ કરી છે, (૧) કાનો રવિન્દ્રચરણ જૈના (રહે. વરાછા, મૂળ ઓરિસ્સા) (૨) દિનેશચંદ્ર બંસીલાલ કીર (રહે. નનસાડ, મૂળ રાજસ્થાન) (૩) રાહુલ રતનલાલ ખટીક (રહે. વરાછા, મૂળ રાજસ્થાન) આ ઉપરાંત, ઓરિસ્સાના ગંજામનો રહેવાસી ટુકુના સચીના નામનો ઇસમ, જેણે આ જથ્થો પૂરો પાડ્યો હતો, તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

મકાનની તલાશી લેતા પોલીસને અલગ-અલગ ૪૪ પાર્સલ મળી આવ્યા હતા, જેમાં કુલ ૮૭.૭૪૨ કિલોગ્રામ ગાંજો હતો, જેની બજાર કિંમત આશરે રૂ.૪૩,૮૭,૧૦૦/- થાય છે. આ ઉપરાંત પોલીસે રૂ.૭,૦૦,૦૦૦/- ની કિંમતની હુન્ડાઈ ક્રેટા કાર નંબર આરજે/૧૪/એલસી/૦૫૩૭  તથા ૪ નંગ મોબાઈલ ફોન કિંમત રૂ.૫૦,૦૦૦/- તથા રોકડ રકમ રૂ.૧,૫૦૦/- મળી કુલ રૂપિયા ૫૧.૩૮ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઝડપાયેલ પદાર્થ નશીલો હોવાની ખાતરી કરવા માટે FSL ના સાયન્ટિફિક ઓફિસરને સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં આ જથ્થો વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો હોવાનું ફલિત થયું છે. હાલ પોલીસે NDPS એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Advertisement
error: Content is protected !!