બારડોલી તાલુકાના હિંડોલીયા ગામ પાસે શુક્રવારે બપોરે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. કારમાંથી નીચે ઉતરેલી ૨૯ વર્ષીય યુવતી પર પૂરઝડપે આવતી ટ્રકનું ટાયર ફરી વળતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.
મળતી માહિતી મુજબ, મોતા ગામની રહેવાસી કરિશ્માબેન સુરેશચંદ્ર સોલંકી (ઉ.વ. ૨૯) તેના સહકર્મી સાગર ચૌધરી સાથે કારમાં જઈ રહી હતી. બપોરના ૧:૦૦ વાગ્યાના અરસામાં હિંડોલીયા હાઇવે પર કાર ઉભી રાખી કરિશ્માબેન રોડની સાઈડમાં ઉતર્યા હતા. આ સમયે પૂરઝડપે આવી રહેલી ટ્રક નંબર જીજે/૧૯/એક્સ/૩૬૫૧ ના ચાલકે યુવતીને અડફેટે લીધી હતી. ગંભીર રીતે ઘવાયેલી કરિશ્માબેનને તાત્કાલિક સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન સાંજે તેણે દમ તોડ્યો હતો. મૃતક યુવતીના પિતા સુરેશચંદ્ર સોલંકીની ફરિયાદના આધારે બારડોલી રૂરલ પોલીસે અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

