સોનગઢ પોલીસ સ્ટેશનની ટીમે રાત્રિ કોમ્બિંગ દરમિયાન એક મોટી સફળતા મેળવી છે. નેશનલ હાઈવે નંબર-૫૩ પર આવેલી નવી આરટીઓ ચેકપોસ્ટ પાસેના એક ગેસ્ટ હાઉસમાંથી પોલીસે ગેરકાયદેસર હથિયાર સાથે સુરતના બે શખ્સોની ધરપકડ કરી છે. પોલીસે તેમની પાસેથી દેશી બનાવટની પિસ્ટલ, જીવતા કારતુસ અને લક્ઝરી કાર સહિત કુલ રૂ.૫.૪૦ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
મળતી વિગત મુજબ, ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૬ ની વહેલી સવારે સોનગઢ પોલીસની ટીમ વિસ્તારમાં કોમ્બિંગ નાઈટ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન સોનગઢ ટાઉનમાં નવી આરટીઓ ચેકપોસ્ટ પાસે આવેલા VSG ગેસ્ટ હાઉસના કંપાઉન્ડમાં એક સફેદ કલરની બ્રેઝા ગાડી (નંબર પ્લેટ વગરની અને કાળા કાચવાળી) શંકાસ્પદ હાલતમાં મળી આવી હતી. પોલીસે ગેસ્ટ હાઉસના મેનેજરની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે આ ગાડીમાં આવેલા માણસો રૂમ નંબર-૩ માં રોકાયેલા છે. રૂમ તપાસતા ત્યાંથી બે શખ્સો મળી આવ્યા હતા.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપી ભુપતભાઈએ કબૂલાત કરી હતી કે આ પિસ્ટલ તેણે પાંચ દિવસ પહેલા તેના ભત્રીજા લાલાભાઈ કેશુભાઈ ભરવાડ (રહે. મોટા વરાછા, સુરત)પાસેથી મેળવી હતી. પોલીસે લાલાભાઈ ભરવાડને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી છે. આ મામલે પોલીસે (૧) ભુપતભાઈ ગગજીભાઈ સાટીયા (ભરવાડ): રહે. નાની વરાછા, સુરત (મૂળ રહે. રાણપરી, બોટાદ) (૨) મિલનભાઈ હિંમતભાઈ સરવૈયા: રહે. ઘોડાદરા, સુરત (મૂળ રહે. ગારીયાધર, ભાવનગર)ની અટકાયત કરી છે અને આરોપીઓ પાસેથી (૧) એક દેશી હાથ બનાવટની પિસ્ટલ કિંમત રૂ.૨૦ હજાર (૨) ૪ નંગ જીવતા કારતુસ (૭.૬૫ KF માર્કિંગવાળા) (૩) સફેદ કલરની બ્રેઝા ગાડી નંબર જીજે/૦૫/આરઈ/૮૧૧૧ જેની કિંમત રૂ.૫ લાખ (૪) 3 નંગ મોંઘા મોબાઈલ ફોન જેની કિંમત રૂ.૨૦ હજાર (૫) એક લોખંડની લાકડી કબજે કરી છે. સોનગઢ પોલીસે આ મામલે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કેસની આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર કમલેશકુમાર જી. લીંબાચીયા ચલાવી રહ્યા છે.

