વાલોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી એક ૧૯ વર્ષીય યુવતીને સોશિયલ મીડિયાના માધ્યમથી માનસિક રીતે હેરાન પરેશાન કરવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કોઈ અજાણ્યા શખ્સે યુવતીના નામ અને ફોટાનો ઉપયોગ કરી ઇન્સ્ટાગ્રામ પર નકલી આઈડી બનાવી તેનો મોબાઈલ નંબર વાયરલ કરી દીધો હોવાની ફરિયાદ નોંધાઈ છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ફરિયાદી યુવતી એક ખાનગી દુકાનમાં નોકરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. ગત ૩ ફેબ્રુઆરીના રોજ તેને જાણવા મળ્યું હતું કે ઇન્સ્ટાગ્રામ પર તેના નામ જેવું જ એક ફેક એકાઉન્ટ બનાવવામાં આવ્યું છે. આ આઈડી પર યુવતીનો ફોટો પ્રોફાઇલ પિક્ચર તરીકે રાખવામાં આવ્યો હતો અને સ્ટોરીમાં અપશબ્દો લખીને તેને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.આટલેથી ન અટકતા, આરોપીએ આ ફેક આઈડી પર યુવતીનો પર્સનલ મોબાઈલ નંબર પણ શેર કર્યો હતો અને લોકોને તે નંબર પર કોલ કરવા જણાવ્યું હતું. જેના કારણે યુવતીને અજાણ્યા નંબરો પરથી સતત ફોન અને મેસેજ આવવા લાગ્યા હતા. ફોન કરનારા શખ્સો જણાવતા હતા કે તેમને ઇન્સ્ટાગ્રામ પરથી આ નંબર મળ્યો છે. અજાણ્યા શખ્સોના સતત ફોન અને માનસિક ત્રાસથી કંટાળીને અંતે યુવતીએ પરિવારની મદદથી વાલોડ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. આ કેસની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર મહેશકુમાર ગીલાતર કરી રહ્યા છે.

