માંડવી તાલુકાના અરેઠ ગામની સીમમાં આજે સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.બાળકોને શાળાએ લઈ જતી એક મારૂતિ સુઝુકી ઓમની વાન પૂરઝડપે હંકારી આવી રોડની બાજુમાં આવેલા ઝાડ સાથે ધડાકાભેર અથડાતા વાનમાં સવાર સાત બાળકો સહિત ડ્રાઈવરને ઇજાઓ પહોંચી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજપુતબોરી ગામના મહિપાલસિંહ સાંગડોતની મારૂતિ ઓમની વાન નંબર જીજે/૦૫/આરએફ/૫૬૨૧માં બાળકોને નાની નરોલી સ્થિત ભારતીય વિદ્યાભવન એકેડમીમાં મૂકવા જઈ રહી હતી. સવારે આશરે ૦૭:૧૫ વાગ્યે કિમ-માંડવી રોડ પર અરેઠ ગામની સીમમાં ડ્રાઈવર અજીત ઉર્ફે શનિ અરવિંદભાઈ હળપતિએ સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા વાન સીધી ઝાડમાં ઘુસી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ વાલીઓ અને સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્તોને તાત્કાલિક અરેઠ સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. આ અકસ્માતમાં વાનમાં સવાર બાળકોને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. જયારે વાન ચાલક અજીત હળપતિને જમણા પગે ફ્રેક્ચર થતા બારડોલી ખાતે સારવાર હેઠળ છે.માંડવી પોલીસે આ મામલે ડ્રાઈવર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

