વાંસદા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન જામલીયા ગામના કુવા ફળીયામાં દરોડો પાડી વરલી મટકાનો જુગાર રમાડતા એક શખ્સને રોકડ રકમ અને સાહિત્ય સાથે રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, વાંસદા પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ સંદીપભાઈ રમેશભાઈ અને તેમની ટીમ ગુરુવારના રોજ વિસ્તારમાં પ્રોહીબિશન અને જુગાર અંગે પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે જામલીયા ગામના કુવા ફળીયામાં આવેલ એક મહુડાના ઝાડ નીચે ખુલ્લી જગ્યામાં એક ઇસમ વરલી મટકાના આંકડા પર પૈસા વતી હારજીતનો જુગાર રમી રમાડી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. જોકે પોલીસને જોઈને નાસવાનો પ્રયત્ન કરે તે પહેલાં જ ટીમે ગોવિંદભાઇ છગનભાઇ પાડવી (ઉંમર વર્ષ ૩૫, રહે. જામલીયા કુવા ફળીયા, તા. વાંસદા) ને પકડી પાડ્યો હતો. આરોપી પાસેથી વરલી મટકાના આંકડા લખેલી ૩ કાપલીઓ અને એક બોલપેન મળી આવી હતી.પોલીસે આરોપીની અંગઝડતી લેતા તેની પાસેથી જુદા-જુદા દરની ભારતીય ચલણી નોટો મળી કુલ રૂ. ૫૨૦/- નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે પકડાયેલ આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

