સોનગઢ-ટોકરવા રોડ પર સોમવાર ના રોજ સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ચાપલધરા ગામની સીમમાં એક બેફામ ટ્રિપલ સવારી બાઈક ચાલકે આગળ જતી મોટરસાયકલને ટક્કર માર્યા બાદ સામેથી આવતી અન્ય એક બાઈક સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં ગંભીર ઈજાઓ થવાને કારણે બાઈક ચાલક સહિત બે વ્યક્તિઓના મોત નિપજ્યા છે.
મળતી વિગતો અનુસાર ફરિયાદી આશિષભાઈ રૂસ્તમભાઈ ચૌધરી (રહે. સિશોર) સવારે 9:45 વાગ્યાના સુમારે પોતાની બાઈક (GJ/26/AD/4139) લઈ ગૌમુખ મંદિર ખાતે નોકરી પર જઈ રહ્યા હતા. તે સમયે ચાપલધરા ગામની સીમમાં સામેથી આવતી એક ટ્રિપલ સવારી બાઈક (GJ/26/AL/3104) ના ચાલકે પોતાની મોટરસાયકલ પૂરઝડપે હંકારી તેની આગળ ચાલતી બાઈક (GJ/26/AA/4213) ને પાછળથી ટક્કર મારી હતી. ટક્કર બાદ ચાલકે કાબુ ગુમાવતા આ બાઈક આશિષભાઈની બાઈક સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રિપલ સવારી બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું, જ્યારે તેની પાછળ વચ્ચે બેસેલા અન્ય એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ ઉપરાંત, અકસ્માતમાં અન્ય ત્રણ વ્યક્તિઓને વત્તી-ઓછી ઈજાઓ પહોંચતા તેમને સોનગઢ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સોનગઢ પોલીસે આ મામલે અજાણ્યા બાઈક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

