Explore

Search

February 14, 2026

Contact us -7820092500

IAS Coaching

Trending News : વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોએ નવો ઈતિહાસ રચ્યો, છેલ્લા 13 મહિનામાં ગુજરાતની 5 જોડી વંદે ભારત ટ્રેનોમાં અંદાજે 32 લાખ લોકોએ મુસાફરી કરી

ભારતીય રેલવેના આધુનિકીકરણના પ્રતીક સમાન વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોએ ગુજરાતમાં પરિવહનનો નવો ઈતિહાસ રચ્યો છે. ઝડપ, સુરક્ષા અને આરામદાયક મુસાફરીના ત્રિવેણી સંગમ સમાન આ ટ્રેનો આજે મુસાફરોની પહેલી પસંદ બની ગઈ છે. જાન્યુઆરી 2025થી જાન્યુઆરી 2026 સુધીના ટૂંકા ગાળામાં જ ગુજરાતથી દોડતી આ પ્રીમિયમ ટ્રેનોએ સાબિત કરી દીધું છે કે ભારતીય મુસાફરો હવે વિશ્વસ્તરીય સુવિધાઓ મેળવવા માટે સજ્જ છે.

છેલ્લા 13 મહિનામાં ગુજરાતની 5 જોડી વંદે ભારત ટ્રેનોમાં અંદાજે 32 લાખ લોકોએ મુસાફરી કરી છે, જે એક મોટો વિક્રમ છે. આંકડાકીય રીતે જોઈએ તો, મુંબઈ-અમદાવાદ રૂટ પર તો માંગ એટલી બધી છે કે ત્યાં 140% ઓક્યુપન્સી (બેઠક ક્ષમતા કરતા વધુ માંગ) નોંધાઈ રહી છે. આ ઉપરાંત અમદાવાદ-ઓખા રૂટ પર 90% અને સાબરમતી-જોધપુર રૂટ પર 81% થી વધુ ઓક્યુપન્સી જોવા મળી છે. ખાસ કરીને વેપારીઓ અને વ્યાવસાયિકો માટે આ ટ્રેન ‘ટાઈમ સેવર’ સાબિત થઈ રહી છે.

વંદે ભારત ટ્રેનની વિશેષતા તેની હાઈ-ટેક ટેકનોલોજી છે. ‘મેક ઈન ઈન્ડિયા’ હેઠળ બનેલી આ ટ્રેનમાં મુસાફરોને વિમાન જેવો અનુભવ મળે છે. જેમાં ઓટોમેટિક સ્લાઈડિંગ દરવાજા, 180 ડિગ્રી ફરી શકે તેવી ફરતી બેઠકો (Rotating Seats), જીપીએસ આધારિત ઇન્ફોર્મેશન સિસ્ટમ અને દરેક કોચમાં CCTV કેમેરા જેવી સુરક્ષા સુવિધાઓ આપવામાં આવી છે. બાયો-વેક્યુમ શૌચાલય અને દરેક સીટ પર ચાર્જિંગ પોઈન્ટ જેવી પાયાની સુવિધાઓએ મુસાફરીને વધુ સુખદ બનાવી છે.

આ પ્રીમિયમ ટ્રેનમાં માત્ર ઝડપ જ નહીં, પણ ઓનબોર્ડ કેટરિંગ સર્વિસ પણ આકર્ષણનું કેન્દ્ર છે. મુસાફરોને પ્રાદેશિક સ્વાદને ધ્યાનમાં રાખીને તાજું અને હાઈજેનિક ભોજન પીરસવામાં આવે છે. ટ્રેનનો સ્ટાફ પણ ખાસ તાલીમબદ્ધ છે, જે મુસાફરોની સેવામાં હાજર રહે છે. મુસાફરોની વધતી સંખ્યાનું એક મુખ્ય કારણ ટ્રેનની અંદર મળતી સ્વચ્છતા અને હોસ્પિટાલિટી પણ છે, જે તેને અન્ય ટ્રેનોથી અલગ પાડે છે.સમયપાલન (Punctuality) અને સુરક્ષાના ઉચ્ચ ધોરણોને કારણે વંદે ભારત ટ્રેનોએ લોકોનો વિશ્વાસ જીત્યો છે. ઓછા સમયમાં લાંબુ અંતર કાપતી આ ટ્રેન ગુજરાતના વિકાસમાં નવી ગતિ આપી રહી છે. ભારતીય રેલવે આગામી સમયમાં વધુ રૂટ પર આવી ટ્રેનો દોડાવવા કટિબદ્ધ છે, જેથી સામાન્ય નાગરિકને પણ વિશ્વસ્તરીય રેલ મુસાફરીનો લાભ મળી શકે. આ સફળતા ભારતીય રેલવેના બદલાતા ચહેરાનો જીવંત પુરાવો છે.

Advertisement
error: Content is protected !!