Explore

Search

February 14, 2026

Contact us -7820092500

IAS Coaching

Trending News : SIR પૂર્ણ થયા બાદ રાજ્યની આખરી મતદાર યાદી : અંદાજીત કુલ 73.73 લાખ નામો દૂર કરવામાં આવ્યા

ગુજરાતમાં ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) પૂર્ણ થયા બાદ રાજ્યની આખરી મતદાર યાદી આગામી મંગળવારે પ્રસિદ્ધ કરવામાં આવશે તેવા અહેવાલો છે. આ નવી યાદીમાં કુલ મતદારોનો આંકડો અંદાજે 4.35 કરોડની આસપાસ રહેવાની સંભાવના છે, જે અગાઉની યાદી કરતા લગભગ 72 લાખ જેટલો ઓછો હોવાની વિગતો છે. મુખ્ય ચૂંટણી અધિકારી એચ. શુક્લાએ જણાવ્યું હતું કે, સુધારણા પ્રક્રિયા દરમિયાન મળેલી તમામ અરજીઓની ઝીણવટભરી તપાસ પૂર્ણ કરી લેવામાં આવી છે. અગાઉ જાહેર કરાયેલી ડ્રાફ્ટ યાદીમાં 4.34 કરોડ મતદારો નોંધાયા હતા, જેમાં નવા નોંધાયેલા મતદારોના ઉમેરા સાથે આખરી આંકડામાં સામાન્ય વધારો જોવા મળી શકે છે.

આ સુધારણા પ્રક્રિયા દરમિયાન રાજ્યની મતદાર યાદીમાંથી કુલ 73.73 લાખ નામો દૂર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. જેમાં મુખ્યત્વે મૃત્યુ પામેલા મતદારો, અન્ય સ્થળે કાયમી સ્થળાંતર કરી ગયેલા લોકો અને ડુપ્લિકેટ એન્ટ્રીઓનો સમાવેશ થાય છે. ચૂંટણી પંચને નામ કમી કરવા માટે 6.88 લાખ અરજીઓ મળી હતી, જ્યારે અન્ય 9.88 લાખ મતદારોએ સ્થળાંતરના કારણે ફોર્મ-7 ભરીને જે-તે વિધાનસભા મતવિસ્તારમાંથી નામ દૂર કરવા વિનંતી કરી હતી. તપાસ બાદ બાકી રહેલી 1.47 લાખ જેટલી નવી નોંધણી અને સુધારાની અરજીઓનો પણ હવે નિકાલ કરી દેવામાં આવ્યો છે.

મુખ્ય ચૂંટણી અધિકારીએ સ્પષ્ટતા કરી હતી કે, નામ કમી કરવાની પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શિતા સાથે કરવામાં આવી છે અને કોઈ પણ નામ મનસ્વી રીતે દૂર કરાયું નથી. જ્યાં જરૂર જણાય ત્યાં મતદારોને નોટિસ આપી તેમના જવાબ પણ માંગવામાં આવ્યા હતા. SIRની આ સમગ્ર પ્રક્રિયા 28 ઓક્ટોબરથી શરૂ થઈ હતી અને ડિસેમ્બરમાં ડ્રાફ્ટ યાદી પ્રસિદ્ધ થયા બાદ નાગરિકોને 18 જાન્યુઆરી સુધી વાંધા-સૂચનો રજૂ કરવાનો સમય આપવામાં આવ્યો હતો.ઉલ્લેખનીય છે કે લોકશાહીમાં તમામ લોકોની ભાગીદારી રહે તે માટે રાજ્યભરમાં ખાસ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને સોમનાથ અને દ્વારકા જેવા વિસ્તારોમાં જ્યાં મોટા પાયે દબાણ હટાવવાની કામગીરી થઈ હતી, ત્યાં ખાસ મતાધિકાર કેમ્પ યોજાયા હતા. અમદાવાદના ચંડોળા જેવા વિસ્તારોમાં પણ જેમના મકાનો તોડી પડાયા હતા અને રહેઠાણના પુરાવા નહોતા, તેમને નવા રહેઠાણના દસ્તાવેજો રજૂ કરી નામ નોંધાવવાની તક આપવામાં આવી હતી.

Advertisement
error: Content is protected !!