Explore

Search

February 14, 2026

Contact us -7820092500

IAS Coaching

Trending News : અમદાવાદમાં અંધશ્રદ્ધાનો કિસ્સો, સાસરિયાંએ યુવતીને મંત્રિત પાણી પીવડાવ્યું!

અમદાવાદ શહેરની એક યુવતીએ તેના સાસરિયાં વિરુદ્ધ દહેજ, મંત્રિત પાણી પીવડાવવા જેવી અંધશ્રદ્ધા અને છૂટાછેડા માટે દબાણ કરી મારપીટ કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે ફરિયાદ કરતાં ચકચાર મચી ગઈ હતી. અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં રહેતી અને આઇટી કંપનીમાં નોકરી કરતી ૨૯ વર્ષીય પરિણીતાએ પોતાના પતિ, સાસુ-સસરા અને બે નણંદો વિરુદ્ધ શારીરિક-માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી છે. મેટ્રિમોનિયલ એપ્લિકેશન દ્વારા પરિચયમાં આવ્યા બાદ એપ્રિલ ૨૦૨૪માં લગ્નગ્રંથિથી જોડાયા હતા.

ફરિયાદની વિગતો અનુસાર, લગ્ન બાદ દંપતી વડોદરા સ્થાયી થયું હતું, જ્યાં પતિ બેંકમાં નોકરી કરતો હતો. પરંતુ નોકરીમાં ફાવતું ન હોવાથી પતિ ડિપ્રેશનમાં આવી ગયો હતો અને પત્ની સાથે ગાળાગાળી કરી ગળું દબાવવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો હતો. આ દરમિયાન સાસુ અને નણંદોએ વડોદરા આવીને પતિને મંત્રિત પાણી પીવડાવ્યું હતું અને પત્ની પર વશીકરણનો આક્ષેપ કરી ઝઘડા કર્યા હતા. પરિણીતાએ ઘર બચાવવા માટે આ બધો ત્રાસ સહન કર્યો હતો, પરંતુ સાસરી પક્ષે તેને પિયર મોકલી આપીને પાંચ લાખ રૂપિયા લઈ છૂટાછેડા આપી દેવા દબાણ શરૂ કર્યું હતું.

અત્યંત આઘાતજનક બાબત એ છે કે, પરિણીતાને સાસરીમાં રહેવા દેવા માટે એવી શરત મૂકવામાં આવી હતી કે તેણે લગ્ન વખતે મળેલું સોનું પરત આપી દેવું પડશે અને મકાનનું ભાડું તથા ઘરનો તમામ ખર્ચ પોતે ઉપાડવો પડશે. ઘર બચાવવાની આશાએ પરિણીતાએ અમદાવાદમાં નોકરી શરૂ કરી મકાનનું ભાડું અને ખર્ચ પોતે ઉપાડ્યો હતો. આમ છતાં, પતિએ અન્ય યુવતી સાથેના સંબંધોની શંકા મુદ્દે મારપીટ ચાલુ રાખી હતી અને નવેમ્બર ૨૦૨૫માં પત્નીને જાણ કર્યા વગર ઘર છોડીને ચાલ્યો ગયો હતો.છેવટે, પતિએ કોર્ટમાં છૂટાછેડાની અરજી દાખલ કરી દેતા અને સમાધાનના તમામ પ્રયાસો નિષ્ફળ જતા પરિણીતાએ પોલીસના દ્વાર ખખડાવ્યા હતા. વેસ્ટ મહિલા પોલીસે આ મામલે પતિ દિપેન દત્તા, સાસુ હંસાબેન, સસરા મુકેશભાઈ અને નણંદ તૃપ્તિ તથા ધારા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી હતી. આ કેસમાં અંધશ્રદ્ધા, શારીરિક હિંસા અને આર્થિક શોષણના ગંભીર આક્ષેપોને પગલે ચકચાર મચી ગઈ હતી.

Advertisement
error: Content is protected !!