Explore

Search

February 14, 2026

Contact us -7820092500

IAS Coaching

Latest News Tapi : આદિમજૂથોના જીવનમાં એક નવો સૂર્યોદય થયો : તાપીના કોટવાડિયા બહેનોએ વાંસ-કલાને બનાવ્યું સશક્તિકરણનું હથિયાર

ખેતી અને પશુપાલન સાથે ગાઢ રીતે જોડાયેલા તાપી જિલ્લાના આદિવાસી સમુદાય માટે વાંસ એ માત્ર કુદરતી સંસાધન નથી, પણ તેમના જીવનચક્રનું એક અભિન્ન અંગ છે. જૂની-પુરાની આ પરંપરાગત વાંસકલાને જ્યારે આધુનિક તાલીમ અને રાજ્ય સરકારના પ્રોત્સાહનનું પીઠબળ મળ્યું, ત્યારે આદિમજૂથોના જીવનમાં એક નવો સૂર્યોદય થયો છે.

તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના મીરકોટ ગામના રહેવાસી ગીરાબેન વસિયાભાઈ કોટવાડિયાની વાત કરીએ તો તેઓ છેલ્લા ૧૫ વર્ષથી પરંપરાગત વાંસકામ સાથે જોડાયેલા છે. શરૂઆતમાં તેઓ માત્ર ઘરવપરાશની વસ્તુઓ જેવી કે ટોપલા-ટોપલી અને છાબલી બનાવતા હતા.નવજાગૃતિ સખી મંડળમાં જોડાયા બાદ તેમજ ઉકાઈની સિબાટ સંસ્થા દ્વારા મળેલી ફર્નિચર અને ડેકોરેટિવ આઈટમ્સ બનાવવાની આધુનિક તાલીમ લીધા બાદ ગીરાબેનની હસ્તકલાના હુન્નરને નવી ઓળખ મળી…

માધ્યમો સાથેના સંવાદમાં ગીરાબેન કોટવાડિયાએ જણાવ્યું કે, પહેલા અમે માત્ર સાદી વસ્તુઓ બનાવતા, પણ તાલીમ બાદ હવે અમે બજારની માંગ મુજબની ઇનોવેટિવ સુશોભન વસ્તુઓ અને ઓફિસ એસેસરીઝ બનાવીએ છીએ. મારી સાથે અન્ય કોટવાડિયા બહેનોએ પણ તાલીમ લીધી છે, અને અમને અમદાવાદ, ગાંધીનગર જેવા શહેરોમાં પણ સ્ટોલ ફાળવવામાં આવે છે. અમે સંગઠિત સમૂહ તૈયાર કરીને આકર્ષક હોમ ડેકોર આઈટમ્સ, ઓફિસ એસેસરીઝ અને વૈવિધ્યસભર ગિફ્ટ આર્ટિકલ્સ તૈયાર કરીને આવક ઉપાર્જન કરીએ છીએ.

નોંધનીય છે કે, આજે કોટવાડિયા સમાજની બહેનો આર્થિક રીતે સક્ષમ ઉદ્યોગસાહસિક બનવાની દિશામાં આગળ વધી રહી છે. પોતાના બાળકોનું શિક્ષણ હોય કે પરિવારનું સ્વાસ્થ્ય, તેઓ આત્મનિર્ભર બનીને ખર્ચ ઉઠાવી રહી છે. તાપીના જંગલોનો આ વાંસ આજે અનેક પરિવારોના જીવનમાં આર્થિક ઉજાસ પાથરી રહ્યો છે. પરંપરાગત કલાને જ્યારે યોગ્ય દિશા, તાલીમ અને પ્રોત્સાહન મળે તો તે કલા આખા સમુદાયની આજીવિકા બદલવાનું સબળ માધ્યમ બની શકે છે. સરકારે પીએમ જનમન અને વિવિધ કલ્યાણકારી યોજનાઓ થકી કોટવાડિયા સહિતના આદિમજૂથોના ઉત્થાન માટે સર્વગ્રાહી અભિગમ અપનાવ્યો છે, જેમાં તેમને માત્ર આર્થિક સહાય નહીં પરંતુ કૌશલ્ય વર્ધન અને આધુનિક તાલીમ આપીને આત્મનિર્ભર બનાવવાની પ્રાથમિકતા અપાઈ છે. વધુમાં, આ સમુદાયના પરિવારોને પીવાનું શુદ્ધ પાણી, વીજળી અને પાકા આવાસ જેવી પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે.

Advertisement
error: Content is protected !!