સોનગઢ-કુમકુવા રોડ પર સોનારપાડા ગામે આવેલા ગોગા મહારાજના મંદિરમાં મહારાજને અર્પણ કરાયેલા ચાંદીના કિંમતી આભૂષણો અને મૂર્તિ ચોરી થઇ હોવાની ફરિયાદ નોંધાઈ છે.
મળતી વિગતો અનુસાર સોનગઢ-કુમકુવા રોડ પર સોનારપાડા ગામે આવેલા ગોગા મહારાજના મંદિરમાં છેલ્લા એક વર્ષથી પુજારી તરીકે સેવા આપતા સુખદેવપુરી સોમપુરી ગોસ્વામીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે જણાવ્યું મુજબ તા. ૦૨/૦૨/૨૦૨૬ના રોજ સાંજની આરતી પૂર્ણ કર્યા બાદ મંદિરના મુખ્ય દરવાજા અંદરથી બંધ કરી અને બાજુના દરવાજાની સ્ટીલની જાળી પર બહારથી તાળું મારી તેઓ પોતાના નિવાસસ્થાને ગયા હતા.
બીજા દિવસે સવારે નિયમિત સમયે મંદિર ખોલવા જતા બાજુના દરવાજાની સ્ટીલની જાળી ખુલ્લી અને તાળું ગાયબ હોવાનું જણાયું હતું. તેમજ મંદિરનો લાકડાનો દરવાજો અડધો ખુલ્લો હતો. અંદર તપાસ કરતા ગોગા મહારાજની મૂર્તિ ઉપર રાખેલા ચાંદીના બે છત્તર, ચાંદીનો નાનો મુગટ, ચાંદીનો કળશ, તેમાં મુકેલ ચાંદીનું નાનું શ્રીફળ તથા ગોગા મહારાજની નાની-મોટી મળી કુલ છ ચાંદીની મૂર્તિઓ ગાયબ હોવાનું જાણવા મળ્યું. આ તમામ ચાંદીની વસ્તુઓ આશરે દસથી બાર વર્ષ અગાઉ ભક્તો દ્વારા દાનમાં આપવામાં આવેલી હોવાનું જણાવવામાં આવ્યું છે, જેની અંદાજિત કિંમત રૂ.૧.૨૦ લાખ જેટલી થાય છે. ઘટનાની જાણ થતાં મંદિરના ટ્રસ્ટીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને સમગ્ર ઘટનાની તપાસ કરી હતી. પુજારી દ્વારા અજાણ્યા ચોર ઇસમ વિરૂદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા માટે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

