ધોળકા-બગોદરા હાઈવે પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં પતિ-પત્ની અને તેમના વ્હાલસોયા પુત્રનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. જેના કારણે સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
ધોળકા-બગોદરા હાઈવે પરથી પસાર થઈ રહેલી એક આઈસર ટ્રકના ચાલકે આગળ જઈ રહેલા કોઈ અજાણ્યા વાહનની પાછળ ટ્રક ધડાકાભેર ભટકાડી દીધી હતી. અકસ્માત સમયે ટ્રકની ગતિ એટલી પ્રચંડ હતી કે ટ્રકનો આગળનો ભાગ સંપૂર્ણપણે દબાઈ ગયો હતો. ટ્રકમાં સવાર પરિવાર કંઈ સમજે તે પહેલા જ કાળનો પંજો તેમના પર ફરી વળ્યો હતો. અકસ્માત સર્જીને અજાણ્યો વાહન ચાલક પોતાનું વાહન લઈને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.આ દુર્ઘટનામાં ટ્રકમાં સવાર પતિ, પત્ની અને તેમના પુત્રના ગંભીર ઈજાઓને કારણે ઘટના સ્થળે જ પ્રાણ પંખેરૂ ઉડી ગયા હતા.
સ્થાનિક રાહદારીઓએ તાત્કાલિક 108 અને પોલીસને જાણ કરી હતી. ઘટનાસ્થળે પહોંચેલી 108ની ટીમે ત્રણેય સભ્યોને મૃત જાહેર કર્યા હતા. જ્યારે ઇજાગ્રસ્ત આઈસર ચાલકને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.અકસ્માતને પગલે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિકના દ્રશ્યો સર્જાયા હતા, અકસ્માત સર્જીને નાસી છૂટેલા અજાણ્યા વાહન ચાલકની શોધખોળ માટે પોલીસે હાઈવે પરના સીસીટીવી ફૂટેજ ચેક કરવાની તજવીજ હાથ ધરી હતી.

