સુરતના લીંબાયત વિસ્તારમાં કાળજું કંપાવી દે તેવી એક ઘટના સામે આવી છે, જેમાં પવિત્ર ગણાતા પતિ-પત્નીના સંબંધો લજવાયા છે. ઘરકંકાસથી કંટાળેલી એક પત્નીએ પોતાના જ પતિની અત્યંત ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી છે. આ મામલે લીંબાયત પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી પત્નીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી પ્રમાણે પત્ની અને પતિ વચ્ચે અવાર નવાર ઝઘડા થતા રહેતા હતા. આ વિવાદનો કાયમી ઉકેલ લાવવા પત્નીએ ખતરનાક કાવતરૂં ઘડ્યું હતું. સૌપ્રથમ તેણે પતિને પીવાના દૂધમાં ઝેરી દવા ભેળવીને આપી હતી. પત્નીનો ઇરાદો પતિને ઝેર આપીને પતાવી દેવાનો હતો. જોકે, ઝેર આપ્યા બાદ પણ જ્યારે પતિનું મૃત્યુ ન થયું. ત્યારે તે વધુ હિંસક બની ગઇ હતી. ઝેરની અસર ઓછી થતી જોઈ પત્નીએ મન મક્કમ કરી પતિ પર હુમલો કર્યો હતો. તેણે પોતાના જ હાથે પતિનું ગળું દબાવી દીધું હતું. ગળું ટૂંપાવાને કારણે શ્વાસ રુંધાતા પતિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતા જ આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.ઘટનાની જાણ થતા લીંબાયત પોલીસ કાફલો તરત જ દોડી આવ્યો હતો. પ્રાથમિક તપાસ અને શંકાના આધારે પોલીસે પત્નીની કડક પૂછપરછ કરી હતી, જેમાં તેણે પોતાનો ગુનો કબૂલ કર્યો હતો. હાલમાં પોલીસે હત્યારી પત્નીની ધરપકડ કરી છે અને તેની સામે હત્યાનો ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દીધી છે. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે સતત થતા ઘરકંકાસ ક્યારેક ભયાનક અપરાધનું સ્વરૂપ ધારણ કરી લે છે.

