Explore

Search

February 9, 2026

Contact us -7820092500

IAS Coaching

Latest News Gujarat : નજીવી બાબતે સર્જાયો લોહીયાળ જંગ, બાથરૂમમાં ઘૂસીને આધેડને સળગાવ્યા

કચ્છના ગાંધીધામમાં માનવતાને શરમાવે તેવી એક અત્યંત ક્રૂર ઘટના સામે આવી છે. માત્ર ઘરના ઓટલા પર બેસવા જેવી નજીવી બાબતે થયેલા ઝઘડાએ લોહી ઉકાળ્યું અને પડોશીઓએ જ એક આધેડને ડીઝલ છાંટી જીવતા સળગાવીને મોતને ઘાટ ઉતારી દીધા.

ગાંધીધામના રોટરીનગર (સત્તર હજાર ઝૂંપડા) વિસ્તારમાં રહેતા કરસનભાઈ, જેઓ અપરિણીત હતા અને તેમની માતા સાથે જીવન ગુજારતા હતા, તેમને થોડા દિવસો પહેલા પડોશીઓ સાથે ઘરના ઓટલા પર બેસવા જેવી સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી. આ સામાન્ય ઝઘડાની અદાવત રાખીને પડોશીઓએ આટલું ઘાતકી પગલું ભરશે તેવી કોઈએ કલ્પના પણ કરી નહોતી.

ઘટનાના દિવસે પ્રેમિલાબેન નરેશભાઈ, અજુબેન હરેશભાઈ, મંજુબેન લહેરી અને એક મારવાડી પુરુષે કરસનભાઈને ઘેરી લઈ માર માર્યો હતો. જીવ બચાવવા માટે કરસનભાઈ પોતાના ઘરના બાથરૂમમાં ભરાઈ ગયા હતા, પરંતુ હેવાનો બની ગયેલા આ ચારેય આરોપીઓએ પીછો છોડ્યો નહીં. તેઓ બાથરૂમમાં ઘૂસી ગયા અને કરસનભાઈ પર ડીઝલ છાંટી દીવાસળી ચાંપી દીધી હતી.આ ઘટનાનો એક દર્દનાક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં કરસનભાઈ ગંભીર રીતે દાઝેલી હાલતમાં રસ્તા પર તરફડિયા મારતા જોવા મળે છે. તેમને તાત્કાલિક 108 મારફતે આદિપુરની રામબાગ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન તેમણે દમ તોડ્યો હતો અને બનાવ હત્યામાં પરિણમ્યો હતો.ગાંધીધામ બી ડિવિઝન પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી હાથ ધરી છે.પોલીસે બે મહિલા સહિત કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી છે. અન્ય આરોપીઓની શોધખોળ અને હત્યાના પુરાવા એકત્ર કરવાની કામગીરી ચાલુ છે.

Advertisement
error: Content is protected !!