Explore

Search

February 9, 2026

Contact us -7820092500

IAS Coaching

ડાંગમાં DBT વળતર લૂંટ : TDOએ સરપંચ સહિત ખેડૂતોને બોલાવી પુછપરછ હાથ ધરી

ડાંગ જિલ્લા પ્રતિનિધિ દ્વારા : VCE દ્વારા ખેડૂતોના ખાતામાંથી રકમ ઉપાડી લેવાના કિસ્સામાં કસૂરવાર પુરવાર થતા VCE ને જિલ્લા વિકાસ અધિકારીએ ફરજમુક્ત ના આદેશ આપતાં પંચાયત વર્તુળોમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

ડાંગ જિલ્લામાં વર્ષ 2024-25ના પાક નુકસાની વળતર મામલે ગંભીર ગેરરીત્તિનો ભાંડાફોડના અહેવાલ અખબારોમાં પ્રસિદ્ધ થતાં જ તંત્ર હરકતમાં આવી ગયું છે. સરકારે ખેડૂતોને DBT મારફતે સીધા ખાતામાં મોકલેલી વળતર રકમ ગ્રામ પંચાયતના VCE દ્વારા ઉપાડી લેવામાં આવી હોવાના અખબારી અહેવાલો બાદ સમગ્ર પંચાયત તંત્રમાં ખળભળાટ મચી ગયો છે.

આ મામલે આહવા તાલુકા વિકાસ અધિકારી આર.બી.ચૌધરી દ્વારા દીવાનટેમ્બરુન ગ્રામ પંચાયતના સરપંચ સહિત ભોગ બનનાર ખેડૂતોને કચેરીએ બોલાવી પ્રાથમિક પુછપરછ હાથ ધરવામાં આવી હતી. ખેડૂતોના નિવેદનો અને દસ્તાવેજી માહિતીના આધારે વળતર રકમ કઈ રીતે, કયા આધાર પર અને કોના ઇશારે ઉપાડી લેવાઈ તેની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, સરકાર દ્વારા ખેડૂતોની મહેનતનો આધાર બને તેવી વળતર રકમ સીધી DBTથી ખાતામાં જમા થઈ હોવા છતાં VCEએ ખેડૂતોની અજ્ઞાનતા અને વિશ્વાસનો લાભ લઈ રકમ ઉપાડી લીધી. કેટલાક કિસ્સાઓમાં તો ખેડૂતોને ખાતામાં રકમ જમા થઈ હોવાની જાણ પણ કરાઈ ન હતી.અખબારી અહેવાલ છપાતા જ તંત્ર પર દબાણ વધ્યું અને તાત્કાલિક કાર્યવાહીનો દેખાડો શરૂ થયો છે. તાલુકા પંચાયત સ્તરે લેવાયેલી આ કાર્યવાહી બાદ પંચાયત વર્તુળોમાં ‘આગળ કોણ?’ તેવી ચર્ચાઓ તેજ બની છે.

વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા મુજબ, આ માત્ર એક ગ્રામ પંચાયત પૂરતું કૌભાંડ ન હોવાની શક્યતા નકારાતી નથી. તપાસ આગળ વધતા અન્ય પંચાયતોમાં પણ DBT વળતર સાથે થયેલી ગેરરીત્તિઓ બહાર આવવાની પ્રબળ સંભાવના વ્યક્ત થઈ રહી છે.હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે VCE જેવી જવાબદાર વ્યવસ્થાએ ખેડૂતોના હકના નાણાં પર હાથ સાફ કર્યા પછી પણ અત્યાર સુધી કોણે આંખ આડી કાન કરી રાખ્યા?

જો મીડિયા અહેવાલ ન આવ્યો હોત તો શું આ લૂંટ બહાર આવત?ડાંગ જિલ્લાના ખેડૂતો હવે માંગ કરી રહ્યા છે કે દોષિત VCE સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, ઉપાડી લેવાયેલી રકમ તાત્કાલિક પરત અપાવવામાં આવે અને સમગ્ર મામલાની ઉચ્ચ સ્તરીય તપાસ થાય. નહિંતર સરકારની DBT યોજના પરનો વિશ્વાસ પણ ડગમગિ જશે.

આ સંદર્ભે નાયબ જિલ્લા વિકાસ અધિકારી એસ બી પટેલે એ જણાવ્યું હતું કે આહવા તાલુકાના દીવાનટેમ્બરુન ગ્રામ પંચાયતના VCE દ્વારા ખેડૂતોના પાક નુકસાની વળતર ના નાણાં ગપચાવ્યા હોવાની ફરિયાદ આવી છે, જેમાં સરપંચ સહીત ગ્રામજનો, ખેડૂતો ને રૂબરૂ બોલાવી પ્રાથમિક તપાસ કરી છે ,જેમાં VCE દ્વારા આદિવાસી ખેડૂતો પાસે ગેરકાયદેસર નાણાં લીધા હોવાનું ખુલતા તેમને તાત્કાલિક ફરજમુક્ત કરવાના આદેશ આપ્યા છે. આ સંદર્ભે વધુ ઝીણવટ ભરી તપાસ માટે અત્રે થી તાલુકા વિકાસ અધિકારીને સૂચના આપવામાં આવી છે. કસૂરવારો સામે કડક કાર્યવાહી હાથ ધરવામા આવશે.

Advertisement
error: Content is protected !!