Explore

Search

February 9, 2026

Contact us -7820092500

IAS Coaching

Latest News Gujarat: સગીર પુત્રી પર દુષ્કર્મ અને તેની હત્યાના આરોપી પિતાને કોર્ટે નિર્દોષ જાહેર કર્યો,કારણ જાણો

ગુજરાત હાઈકોર્ટે એક અત્યંત સંવેદનશીલ કેસમાં મહત્વનો ચુકાદો આપતા પોતાની સગીર પુત્રી પર દુષ્કર્મ અને તેની હત્યાના આરોપી પિતાને નિર્દોષ જાહેર કર્યો છે. સુરતની નીચલી અદાલતે આ કેસને ‘રેરેસ્ટ ઓફ રેર’ ગણીને પિતાને ફાંસીની સજા ફટકારી હતી. જોકે, હાઈકોર્ટે પ્રક્રિયાગત ખામીઓને ટાંકીને જણાવ્યું હતું કે, માત્ર શંકાના આધારે કોઈ વ્યક્તિને ફાંસી આપી શકાય નહીં. આ ચુકાદાએ ફોરેન્સિક પુરાવાઓની વિશ્વસનીયતા અને તપાસની પદ્ધતિઓ પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.

આ કેસ જૂન 2017નો છે, જ્યારે સુરતના ડુમસ બીચ પરથી ઓડિશાના એક શ્રમિક પરિવારની 14 વર્ષની કિશોરીનો મૃતદેહ મળી આવ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જાણવા મળ્યું હતું કે કિશોરી ગર્ભવતી હતી અને તેની ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. પોલીસે પરિસ્થિતિજન્ય પુરાવા અને DNA ટેસ્ટના આધારે પિતાની ધરપકડ કરી હતી. વર્ષ 2020માં સુરતની કોર્ટે પિતાને પોતાની જ પુત્રી સાથે દુષ્કર્મ કરવા અને ગર્ભવતી બનાવી હત્યા કરવા બદલ પોક્સો એક્ટ હેઠળ દોષિત ઠેરવી મૃત્યુદંડની સજા સંભળાવી હતી.

હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન જસ્ટિસ ઈલેશ વોરા અને જસ્ટિસ આર.ટી. વચ્છાણીની બેન્ચે નોંધ્યું હતું કે તપાસ દરમિયાન ગંભીર ક્ષતિઓ રહી ગઈ હતી. જે DNA રિપોર્ટને સજાનો મુખ્ય આધાર બનાવવામાં આવ્યો હતો, તેને કોર્ટે નકારી કાઢ્યો હતો. કોર્ટે અવલોકન કર્યું કે અત્યંત સંવેદનશીલ બાયોલોજિકલ નમૂનાઓને આઈસ બોક્સમાં રાખવાને બદલે સામાન્ય રીતે મોકલવામાં આવ્યા હતા. આ ઉપરાંત, આ નમૂનાઓને ફોરેન્સિક લેબ સુધી પહોંચાડવામાં 13 દિવસનો વિલંબ થયો હતો, જેના કારણે રિપોર્ટમાં છેડછાડ કે ફેરફાર થવાની શક્યતા નકારી શકાય નહીં.અદાલતે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે ફોજદારી કેસમાં જ્યારે ફાંસીની સજાનો મામલો હોય ત્યારે પુરાવાની સાંકળ સંપૂર્ણ હોવી જોઈએ. આ કેસમાં પ્રોસિક્યુશન એવા કોઈ સચોટ પુરાવા રજૂ કરી શક્યું નથી જે નિઃશંકપણે સાબિત કરે કે પિતા જ ગુનેગાર છે. તપાસ એજન્સી દ્વારા પુરાવા એકત્રિત કરવામાં રાખવામાં આવેલી બેદરકારીના કારણે શંકાને આધારે હાઈકોર્ટે પિતાને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. આ ચુકાદો તપાસ અધિકારીઓ માટે એક લાલબત્તી સમાન છે કે વૈજ્ઞાનિક પુરાવાઓની પ્રક્રિયામાં જરા પણ ચૂક ન હોવી જોઈએ.

Advertisement
error: Content is protected !!