સુરત શહેરમાં ગોગો પેપર અને રોલનું વેચાણ કરતા દુકાનદારો પર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસે દરોડા પાડ્યા છે. આ પેપર અને રોલનો ઉપયોગ યુવાનો દ્વારા હાઇબ્રીડ ગાંજો પીવા માટે કરવામાં આવતો હોવાથી પોલીસે આ કાર્યવાહી હાથ ધરી હતી. SOG પોલીસે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં આવેલા પાન પાર્લરો અને અન્ય દુકાનો પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં મોટા પ્રમાણમાં ગોગો પેપર અને રોલના જથ્થા મળી આવ્યા હતા.
પોલીસે તમામ વિક્રેતાઓને તાત્કાલિક અસરથી આ પ્રકારના પેપર કે રોલનું વેચાણ બંધ કરવા માટે કડક ચેતવણી આપી છે. નોંધનીય છે કે આ રોલ અને પેપર ઓનલાઇન પ્લેટફોર્મ પર પણ સરળતાથી ઉપલબ્ધ છે. સુરત પોલીસે હવે ઓનલાઇન વેચાણ પર પણ લગામ કસવા અને આ પ્રકારના પદાર્થોનું વેચાણ કરતા પ્લેટફોર્મ સામે કાર્યવાહી કરવા માટેની તૈયારી શરૂ કરી છે. યુવાનોને નશાખોરીથી દૂર રાખવા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા માટે પોલીસ સતર્ક બની છે.

