સુરત શહેરમાં આવેલા ખટોદરા વિસ્તારમાં એક શંકી યુવકની હરકતના કારણે ચકચાર મચી જવા પામી છે. આ યુવક એક યુવતીના પ્રેમમાં પાગલ હતો. તે યુવતીને મારી નહીં તો કોઈની નહીં કહીને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપતો હોવાનું સામે આવ્યું છે.
ઘટનાની મળતી વિગતો અનુસાર, સુરતના ખટોદરા વિસ્તારમાં રહેતી એક યુવતીને એક શંકી યુવક દ્વારા પજવણી કરવામાં આવી રહી હતી. આ યુવકનું નામ રોહિત રાઠોડ છે. જે યુવતીને એક તરફી પ્રેમ કરતો હોવાના સમાચાર છે. રોહિતે યુવતીને મારી નહીં તો કોઈની નહીં એમ કહીને બળાત્કાર, એસિડ ફેંકવા તેમજ જાનથી મારી નાંખવા સુધીની ધમકી આપી હતી. જે કારણે યુવતી ડધાઈ ગઈ હતી.રોહિત રાઠોડ પોતાની વાતને સાચી કરવા માટે યુવતીની પાછળ ઘાતક હથિયાર લઈને ગયો હતો. જોકે, પરિજનોએ પોલીસ ફરિયાદ નોંધાવતા કોઈ અનિચ્છનીય બનાવ બને તે પહેલા જ ખટોદરા પોલીસ દ્વારા રોહિત રાઠોડની ધરપકડ કરી લેવામાં આવી હતી. યુવતીના ઘરે જઇને આ યુવકે જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ સાથે યુવતીના પરિવારને પણ ઘર બહાર નીકળવા પર મારી નાંખવાની ધમકી આપી હતી. આ શંકી યુવકને કારણે યુવતી ઘર બહાર નીકળતા પહેલા ડરતી હતી. પોલીસે હાલ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

