વડોદરા રેલવે પોલીસને માનવ તસ્કરી અથવા બાળ મજૂરી સાથે જોડાયેલા એક સંભવિત મામલામાં મોટી સફળતા મળી છે. પોલીસે ટ્રેન મારફતે બિહારથી આવેલા 11 બાળકો સહિત કુલ 18 લોકોને કસ્ટડીમાં લીધા છે. આ તમામ લોકો બિહારના કટિયા જિલ્લામાંથી ટ્રેનમાં વડોદરા પહોંચ્યા હતા. પોલીસને શંકાસ્પદ જણાતાં તેમની અટકાયત કરવામાં આવી હતી.
પોલીસ દ્વારા કસ્ટડીમાં લેવાયેલા લોકો રટણ કરી રહ્યા છે કે તેઓ તમામ સુરતમાં તેમના વાલીવારસા પાસે જઈ રહ્યા હતા. જોકે, આટલી મોટી સંખ્યામાં બાળકોનું સ્થળાંતર શંકાસ્પદ જણાતા પોલીસે આ મામલે ગહન તપાસ શરૂ કરી છે. રેલવે પોલીસે હવે આ બાળકો કોઈ ટોળકીનો શિકાર બન્યા છે કે કેમ અથવા તેમને બાળમજૂરી માટે લઈ જવામાં આવી રહ્યા છે, તે દિશામાં તપાસ શરૂ કરી છે. પોલીસે સમગ્ર મામલે સત્ય બહાર લાવવા માટે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે અને કાયદાકીય પ્રક્રિયા હાથ ધરી છે.

