વલસાડ રેલવે સ્ટેશન પર પેસેન્જર ટ્રેનના ટોયલેટમાંથી નવજાત બાળકી મળી આવવાના ચકચારી કેસમાં પોલીસે ઝડપી અને સઘન કાર્યવાહી કરીને 3 આરોપીઓ અને કાયદાના સંઘર્ષમાં આવેલી બાળકી (સગીરા) ની ધરપકડ કરી છે. આ મામલામાં બાળકીને ત્યજી દેવાનું કાવતરું રચનારા તેના માતા-પિતા અને અન્ય આરોપીઓ ઝડપાયા છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, કાયદાના સંઘર્ષમાં આવતી આ બાળકીએ જ આ નવજાત બાળકીને જન્મ આપ્યો હતો. જોકે, સામાજિક ડર અને અન્ય કારણોસર બાળકીના માતા-પિતાએ (સગીરાના માતા-પિતા) આ નવજાત દીકરીને ત્યજી દેવાનું કાવતરું રચ્યું હતું. આ કાવતરાના ભાગરૂપે, આ લોકોએ વલસાડથી પસાર થતી એક પેસેન્જર ટ્રેનમાં નવજાત બાળકીને ચાલુ ટ્રેનના ટોયલેટમાં મૂકી દીધી હતી અને ત્યારબાદ તેઓ ટ્રેનમાંથી ઉતરી ગયા હતા.આરોપીઓનું પગેરું મેળવવા માટે વલસાડ સહિત અન્ય રેલવે સ્ટેશનોના CCTV ફૂટેજની સઘન ચકાસણી કરવામાં આવી હતી, જેના આધારે પોલીસને આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મળી. હાલ પોલીસે 3 પુખ્ત આરોપીઓ અને નવજાતને જન્મ આપનાર કાયદાના સંઘર્ષમાં આવતી બાળકીની ધરપકડ કરીને આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. આ કેસમાં કયા કારણોસર બાળકીને ત્યજી દેવામાં આવી અને કાવતરામાં અન્ય કોણ સામેલ હતું તે દિશામાં તપાસ ચાલી રહી છે.

