સુરત શહેરમાં મોબાઈલ સ્નેચિંગની ઘટનાઓને એક નવા જ સ્તરે લઈ જઈ, સ્નેચ કરેલા ફોન દ્વારા સીધા બેન્ક એકાઉન્ટમાંથી લાખો રૂપિયા ટ્રાન્સફર કરી ઠગાઈ આચરતી એક આંતરરાજ્ય ટોળકીને ગોડાદરા પોલીસે ઝડપી પાડી છે. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા ચાર આરોપીઓની ધરપકડ કરી છે.
ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરિયાદ નોંધાઈ હતી કે ફરિયાદીનો મોબાઈલ સ્નેચ થયા બાદ તેમના બેન્ક એકાઉન્ટમાંથી લાખો રૂપિયા ગેરકાયદેસર રીતે ટ્રાન્સફર કરી દેવાયા હતા. આ ફરિયાદના આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આ ટોળકીનો પર્દાફાશ કર્યો હતો.ગોડાદરા પોલીસે આ ગુનામાં સંડોવાયેલા ચાર આરોપીઓ સમીર ઉર્ફે મીંડી, ફૈઝલ ઉર્ફે મુસ્તફા, સલીમ ઉર્ફે સલમાન, અને સરફરાજ અન્સારીની ધરપકડ કરી છે.
પોલીસે પકડાયેલા આરોપીઓ પાસેથી ગુનામાં ઉપયોગમાં લેવાયેલું બાઈક, સ્નેચ કરેલા મોબાઈલ ફોન અને અન્ય વસ્તુઓ સહિત કુલ રૂપિયા 1.70 લાખ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ જપ્તીમાં આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા 1.30 લાખ પણ મળી આવ્યા છે, જે તેમણે ઠગાઈ દ્વારા મેળવ્યા હતા.પોલીસના જણાવ્યા અનુસાર, આ ટોળકીનો મુખ્ય આરોપી સમીર ઉર્ફે મીંડી અગાઉ પણ મોબાઈલ સ્નેચિંગના ગુનામાં પકડાઈ ચૂક્યો છે. આ ટોળકી ફોન સ્નેચ કર્યા બાદ, તેનો ઉપયોગ કરીને બેન્ક ખાતાની વિગતો મેળવી લાખો રૂપિયા ટ્રાન્સફર કરીને ઓનલાઈન ઠગાઈની નવી પદ્ધતિ અપનાવી રહી હતી.પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને તેમણે આચરલા અન્ય ગુનાઓ અંગે પણ વધુ પૂછપરછ કરી રહી છે. સુરત પોલીસની આ કાર્યવાહીથી શહેરમાં મોબાઈલ સ્નેચિંગ અને સાયબર ફ્રોડ આચરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.

