મોરબી જિલ્લાના હળવદ શહેરમાં રહેતા એક તબીબને શેરબજારમાં રોકાણ કરાવવાના બહાને લાખો રૂપિયાની છેતરપિંડી આચરવાના સનસનાટીભર્યા કેસમાં સાઇબર ક્રાઇમ પોલીસે મોટી સફળતા મેળવી છે. પોલીસે આ છેતરપિંડીમાં સંડોવાયેલા ચાર આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, હળવદ શહેરમાં રહેતા ડો. ચેતનકુમાર જાકાસણીયા નામના તબીબને આરોપીઓએ ઓનલાઇન માધ્યમથી વિશ્વાસમાં લીધા હતા. છેતરપિંડી આચરવા માટે આરોપીઓએ ડોક્ટરને એક વોટ્સએપ ગ્રુપમાં એડ કર્યા હતા. આ ગ્રુપમાં આરોપીઓએ શેરબજારમાં ટૂંકાગાળામાં મોટું વળતર મેળવવાની લાલચ આપી રોકાણ કરવા માટે પ્રેર્યા હતા. આરોપીઓની મીઠી-મીઠી વાતો અને ઊંચા વળતરના વચનો પર વિશ્વાસ રાખી ડો. જાકાસણીયાએ અલગ-અલગ તબક્કે કુલ રૂ.48,14,000/- (અઠ્ઠેતાલીસ લાખ ચૌદ હજાર) નું રોકાણ કર્યું હતું.
જોકે, રોકાણ કર્યા બાદ તેમને કોઇ વળતર કે તેમના પૈસા પરત મળ્યા નહોતા. પોતે છેતરાયા હોવાનું માલૂમ પડતાં ડોક્ટરે તાત્કાલિક સાઇબર ક્રાઇમ પોલીસનો સંપર્ક કર્યો હતો.તબીબની ફરિયાદના આધારે સાઇબર ક્રાઇમ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને માનવીય બાતમીના આધારે ગણતરીના દિવસોમાં જ આ ચાર આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પકડાયેલા આરોપીઓની ઓળખ રાહુલ ચૌધરી, ખુશ ભાલોડિયા, જયદીપ લગારીયા, અને શ્યામ રૂપાપરા તરીકે થઇ છે.સાઇબર ક્રાઇમ પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરી છે અને તેમની પાસેથી છેતરપિંડીમાં ઉપયોગમાં લેવાયેલા ડિજિટલ ઉપકરણો તેમજ નાણાંકીય વ્યવહારોની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.

