સુરતના પુણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા લાખો રૂપિયાની છેતરપિંડીના એક જૂના કેસમાં પોલીસને 8 વર્ષ બાદ મોટી સફળતા મળી છે. પોલીસે ફરિયાદી સાથે રૂ.13.95 લાખથી વધુની છેતરપિંડી આચરી ફરાર થઈ ગયેલા આરોપીને ભાવનગર ખાતેથી ઝડપી પાડ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, પુણા પોલીસ સ્ટેશનમાં આ કેસ અંગે ફરિયાદ નોંધાઈ હતી. આરોપી અલ્પેશ જીવરાજભાઈ નાવડીયાએ ફરિયાદી પાસેથી એમ્બ્રોઈડરીનું કામ કરાવ્યું હતું. આ કામની કુલ રકમ રૂ.૧૩,૯૫,૦૦૦/- (તેર લાખ પંચાણુ હજાર રૂપિયા) જેટલી થઈ હતી. કામ પૂર્ણ થયા બાદ આરોપી અલ્પેશે ફરિયાદીને આ રકમની ચુકવણી કરી ન હતી અને છેતરપિંડી કરીને સુરત છોડીને ફરાર થઈ ગયો હતો. છેલ્લા આઠ વર્ષથી આરોપી પોલીસ પકડથી દૂર હતો. પુણા પોલીસે ટેકનિકલ અને માનવીય બાતમીના આધારે લાંબા સમયથી ફરાર આ આરોપીનું લોકેશન ટ્રેક કર્યું હતું. બાતમીના આધારે પુણા પોલીસની એક ટીમે ભાવનગર ખાતે જઈને આરોપી અલ્પેશ જીવરાજભાઈ નાવડીયાને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરીને સુરત લાવી છે અને આ ગુના સંબંધિત વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ સફળતા પુણા પોલીસની લાંબા સમયથી પડતર ગુનાઓ ઉકેલવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

