વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) માં ટેક્નોલોજી દ્વારા ગેરરીતિ આચર્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કોમ્પ્યુટર સાયન્સ ફેકલ્ટી હેઠળ લેવાયેલી કોડિંગની પરીક્ષા દરમિયાન, બે વિદ્યાર્થીઓને AI ટૂલ્સનો ઉપયોગ કરીને ચોરી કરતાં પકડી લેવામાં આવ્યા હતા.
યુનિવર્સિટીના સૂત્રો અનુસાર, આ વિદ્યાર્થીઓ પરીક્ષાના પ્રશ્નો સોલ્વ કરવા માટે હાઇ-ટેક સ્માર્ટવોચ દ્વારા ChatGPT અને Google Gemini જેવા AI પ્લેટફોર્મ્સને એક્સેસ કરતા હતા.વિદ્યાર્થીઓ કથિત રીતે રીઅલ-ટાઇમ જવાબો મેળવીને તેને સીધા જ તેમની ઉત્તરવહીઓમાં કોપી કરી રહ્યા હતા. જોકે, યુનિવર્સિટીની વિજિલન્સ ટીમે તેમની આ બંને વિદ્યાર્થીઓને રંગે હાથ ઝડપી પાડ્યા હતા.
એક વરિષ્ઠ યુનિવર્સિટી અધિકારીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, “VNSGU સાથે સંલગ્ન ૧.૨૫ લાખથી વધુ વિદ્યાર્થીઓ ૨૫૦ થી વધુ કેન્દ્રો પર પરીક્ષા આપી રહ્યા છે. યુનિવર્સિટીની સ્કવોડને સ્માર્ટવોચના ઉપયોગ અંગેની બાતમી મળી હતી. આ તપાસ દરમિયાન બે વિદ્યાર્થીઓને તેમની સ્માર્ટવોચનો ઉપયોગ કરીને ચોરી કરતા પકડવામાં આવ્યા છે.આ એક ગંભીર બાબત છે, અને તેથી હવે પરીક્ષાઓ દરમિયાન સ્માર્ટવોચ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.” આ ઘટનાએ યુનિવર્સિટી પ્રશાસનમાં ટેક્નોલોજીના દુરુપયોગ અંગે ભારે ચિંતા પેદા કરી છે.વાઇસ-ચાન્સેલરે સ્પષ્ટતા કરી હતી કે યુનિવર્સિટી આરોપી વિદ્યાર્થીઓ સામે કડક ‘ડબલ ઍક્શન’ લેશે. તેમણે જણાવ્યું, “સામાન્ય ચોરીના કેસોમાં વિષયનું પેપર રદ્દ કરવા સાથે રૂ. ૫,૦૦૦ નો દંડ લાદવામાં આવે છે. પરંતુ આ ગંભીર કેસમાં સત્તાધીશો બે પરીક્ષાઓના પરિણામ રદ્દ કરશે અને તેની સામે ડબલ દંડ રૂ. ૧૦,૦૦૦ વસૂલવામાં આવશે.”

