Explore

Search

December 15, 2025

Contact us -7820092500

IAS Coaching

વિદ્યાર્થિની સાથે અડપલાં કરનારા ખાનગી ટયૂશન ક્લાસિસના સંચાલકને પાંચ વર્ષની સખત કેદ

ભુજના માધાપરમાં ધો. ૬માં અભ્યાસ કરતી ૧૧ વર્ષની વિદ્યાર્થિની સાથે ખાનગી ટયૂશન ક્લાસિસના સંચાલક અબ્બાસ ખબીર મંડલ (ઉ.વ.૬૫, રહે. મૂળ પશ્ચિમ બંગાળ હાલે માધાપર)એ શારીરિક અડપલાં સાથે જાતિય છેડછાડ કરી હોવાનો ગુનો 11 મહિના પહેલા નોંધાયો હતો. આ ગુનામાં અબ્બાસ ખબીર મંડલને પાંચ વર્ષની સખત કેદ તથા રૂ.૮૫ હજારનો દંડ ફટકારી ધાક બેસાડતો ચુકાદો અદાલતે આપ્યો છે.

છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતી સગીરા માધાપરના રહેણાંક વિસ્તારમાં આવેલા એક ટ્યૂશન ક્લાસમાં જતી હતી. અહીં 1લી જાન્યુઆરી, 2025ના રોજ તે ક્લાસમાં એકલી હોવાથી તેની એકલતાનો લાભ લઈ તેની શિક્ષક અને સંચાલક અબ્બાસ ખબીર મંડલે તેની સાથે અડપલાં કર્યા હતા અને કોઈને કહ્યું તો મારી નાખશે, તેવી ધમકી આપી હતી.આ ચોંકાવનારી બાબતે સગીરાના વાલીએ માધાપર પોલીસ મથકે ફરિયાદ દાખલ કરતાં પોલીસે પોક્સો, છેડતી જેવી વિવિધ કલમ હેઠળ ગુનો નોંધી તપાસના અંતે પી.આઇ. ડી. એમ. ઝાલાએ ચાર્જશીટ તૈયાર કરી અદાલતમાં મૂકી હતી.

આ કેસ ભુજની અદાલતમાં સ્પેશિયલ જજ જે. એ. ઠક્કર સમક્ષ ચાલી જતાં સાત દસ્તાવેજી પુરાવા તથા આઠ સાક્ષી તપાસી જુદી જુદી કલમમાં આરોપી અબ્બાસ મંડલને તક્સીરવાન ઠેરવી કુલ મળીને પાંચ વર્ષની સખત સખ્ત કેદ તથા રૂા.૮૫ હજારનો દંડ ફટકાર્યો હતો.આ ઉપરાંત ભોગ બનનારને એક લાખ રૂપિયાનું વળતર ચૂકવવા માટે ડી.એલ.એસ.એ.ને ભલામણ કરવા તેમજ આ સગીરાના જીવન તથા શિક્ષણ સારી રીતે પુન:સ્થાપિત થાય તેની કાળજી લઇ યોગ્ય માર્ગદર્શન આપવા સી.ડબલ્યુ.સી. તથા ડી.સી.પી.યુ.ને હુકમ કર્યો હતો. આ કેસમાં ફરિયાદી તરફે મુખ્ય જિલ્લા સરકારી વકીલ એચ. બી. જાડેજા હાજર રહ્યા હતા.

Advertisement
error: Content is protected !!