ગુજરાતમાં TET અને TAT ફરજિયાતનો મુદ્દો ફરીવાર ચર્ચામાં આવ્યો છે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહા સંઘ દ્વારા સમગ્ર રાજ્યમાં કલેક્ટર કચેરીએ આવેદન પત્ર આપવાનો કાર્યક્રમ યોજ્યો છે. શિક્ષકોએ ગાંધીનગર કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં સુપ્રિમ કોર્ટના ચુકાદામાં તાત્કાલિક હસ્તક્ષેપ કરવા રજૂઆત કરી હતી. સુપ્રીમ કોર્ટે ધોરણ આઠ સુધી ભણાવતા તમામ શિક્ષકો માટે TET ફરજિયાત કરવાનો ચુકાદો આપ્યો છે.
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના મહામંત્રી પરેશ પટેલે કહ્યું હતું કે, અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા રાજ્યભરમાં કલેકટર કચેરીએ આવેદન પત્ર આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. ગાંધીનગર કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. અમે અમારી રજૂઆતમાં કલેક્ટરને કહ્યું છે કે, તેઓ સુપ્રીમ કોર્ટના ચુકાદામાં હસ્તક્ષેપ કરે. કારણ કે સુપ્રીમ કોર્ટે ધોરણ આઠ સુધી ભણાવતા શિક્ષકો માટે TET પાસ કરવી ફરજિયાત કરી છે. તેમણે કહ્યું હતું કે, 2010 પહેલા નિમણૂક થયેલા શિક્ષકોને TETમાંથી છૂટ અપાઈ છે. જ્યારે 2010 પછી નિમણૂક પામેલા શિક્ષકોને નિશ્ચિત સમયગાળામાં TET પાસ કરવું જરૂરી છે. શિક્ષકોએ ગાંધીનગર કલેકટરને આવેદનપત્ર આપીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી વાત પહોંચાડવા રજૂઆત કરી હતી. આ ચુકાદાના કારણે દેશમાં 20 લાખ શિક્ષકોને અસર થઈ શકે છે. જેથી પહેલી સપ્ટેમ્બરે સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદામાં હસ્તક્ષેપ કરવા રજૂઆત કરી હતી.

