કુકરમુંડા ખાતે ખાતર વેચાણકર્તાઓ દ્વારા યુરિયા ખાતરની ગુણી સાથે અન્ય વધારાનો જથ્થો પણ ફરજીયાત આપવામાં આવી રહ્યો છે. આ મુદ્દે ખેડૂતો હેરાન થઈ રહ્યા હોવાની લેખિત રજૂઆત જાગૃત ખેડૂતો દ્વારા મામલતદારને કરવામાં આવી હતી.
તાપી જિલ્લાના અતિ છેવાડે આવેલા કુકરમુંડા તાલુકાના મોદલા ગામના ખેડૂત તેમજ અન્ય ખેડૂતો યુરિયા ખાતર જરૂરિયાત મુજબ લેવા માટે કુકરમુંડા ખાતે ગયા હતા, પરંતુ ખાતર વિક્રેતાઓ દ્વારા દાણેદાર ખાતર, ટી.એ.પી.ખાતરની બોટલ પણ આપતા હતા. ખેડૂત પાસે પૈસા ઓછા હોવાથી જે વધારાનો અન્ય ખાતરનો જથ્થો ખરીદવાની ના પાડી હતી. ખેડૂતોને હાલમાં ખેતીના સમયમાં નાણાંની તંગી વચ્ચે અન્ય ખાતર પણ સંચાલકો પધરાવતા રહ્યા હોવાથી જેઓ હેરાન થઈ રહ્યા છે. ખેડૂતોને જે ખાતરની આવશ્યકતા હોય તેનો જ પુરતો પુરવઠો મળી રહે તેમજ ખોટી રીતે હેરાનગતિ બંધ થાય તે મુદ્દે મામલતદારને ખેડૂતે લેખિત રજુઆત કરી હોવાનું જાણવા મળ્યું છે.

