ઉકાઈ ડેમના ઉપરવાસમાં છેલ્લા ૨૪ કલાકમાં નોંધપાત્ર વરસાદને પગલે હવે વહીવટી તંત્રની ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે. ડેમની સપાટીને ધ્યાને રાખીને હવે તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે તાપી નદીમાં ૭૮ હજાર કયુસેક સુધી પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, ઉપરવાસમાં વરસાદની સ્થિતિને ધ્યાને રાખીને ઉકાઈ ડેમમાંથી આઉટફ્લોમાં વધારો – ઘટાડો પણ કરવામાં આવી શકે છે. તા.૦૮મી સપ્ટેમ્બર નારોજ રાત્રે ૧૦ કલાકે ઉકાઈ ડેમની સપાટી ૩૩૯.૧૪ ફુટે પહોંચી છે. જ્યારે હાલ ઉકાઈ ડેમના ૦૬ ગેટ ૦૫ ફુટ સુધી ખોલીને ૭૮ હજાર ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.
સુરતની જીવાદોરી સમાન તાપી નદી પર આવેલા ઉકાઈ ડેમમાં ચાલુ વર્ષે સપાટીમાં ઉત્તરોત્તર વધારાને પગલે હાલ ડેમની સપાટી રૂલ લેવલ ૩૪૦ ફુટની નજીક પહોંચી ચુકી છે. છેલ્લા ૨૪ કલાકમાં ઉકાઈ ડેમના ઉપરવાસમાં આવેલા મોટા ભાગના ગેજ સ્ટેશનોમાં હળવાથી ભારે વરસાદને પગલે ડેમમાં હાલ ઈનફ્લો વધીને ૧,૧૦,૦૧૯ ક્યુસેક સુધી પહોંચ્યો છે. આ પરિસ્થિતિને પગલે હવે ઉકાઈ ડેમની સપાટી પર ચાંપતી નજર રાખી રહેલા વહીવટી તંત્ર દ્વારા કોઈપણ પ્રકારનું જોખમ ન લેવાની સાથે – સાથે તાપી નદીમાં તબક્કાવાર આઉટફ્લો વધારી ઘટાડીને ૭૮ હજાર ક્યુસેક સુધી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.સપ્ટેમ્બર મહિનાના પ્રારંભ સાથે જ ઉકાઈ ડેમની સપાટી રૂલ લેવલ સુધી પહોંચી જતાં ડેમના સત્તાધીશો દ્વારા હવે ઉકાઈ ડેમના ઉપરવાસમાં આવેલા વિસ્તારોમાં વરસાદની આગાહીને ધ્યાને રાખીને પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે. સોમવારે રાત્રે ૧૦ કલાકે ઉકાઈ ડેમની સપાટી ૩૩૯.૧૪ ફુટ નોંધાવા પામી હતી. હાલ ઉકાઈ ડેમમાં ઈનફ્લો ૧.૧૦ લાખ ક્યુસેકની સામે ૭૮ હજાર ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.હાલ ઉકાઈ ડેમના રૂલ લેવલ ૩૪૦ ફુટને ધ્યાને રાખીને તંત્ર દ્વારા ડેમના ૦૬ દરવાજા ૦૫ ફુટ સુધી ખુલ્લા કરવામાં આવ્યા છે.

