તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા ખાતે વ્યારાનગરપાલિકા સ્થાપિત સિનિયર સીટીઝન કલબ ખાતે તાપી સાથે ગાઢ નાતો ધરાવતા સંગીત વિશારદ અને સુપ્રસિધ્ધ ગાયક પ્રા. રાકેશ દવે(એમ.એસ.યુનિવર્સીટી),વડોદરા ના અવાજમાં સિનિયર સીટીઝન ગૃપ આયોજીત સંગીત સંધ્યા યોજાઈ હતી.વ્યારાનગરના સિનિયર સીટીઝનો દ્વારા સામાજીક કાર્યો જેવા કે મડીકલ કેમ્પ, યોગા,ભજન/ગરબા સ્પર્ધા,જન્મદિન ઉજવણી, સ્વચ્છતા અભિયાન જેવી સેવાકીય પ્રવૃત્તિઓ નિયમિત કરવામાં આવે છે.
વધુમાં હાલમાં રાજ્ય સરકાર દ્વારા મેદસ્વિતામુક્ત ગુજરાત અભિયાનમાં પણ સહભાગી થઈ સિનિયર સીટીઝનો દ્વારા સમયાંતરે રચનાત્મક પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. તે પૈકી તા.૦૮/૦૯/૨૦૨૫ના રોજ સાંજે ૪-૦૦ કલાકે વ્યારાનગરજનો સહિત સિનિયર સીટીઝનો માટે એક યાદગાર સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તાપી જિલ્લા સાથે ગાઢ નાતો ધરાવનાર એવા સંગીત સાધક અને સુપ્રસિધ્ધ ગાયક રાકેશ દવેએ મોહમ્મદ રફી,મન્ના ડે ના અવાજમાં હિન્દી ફિલ્મી ગીતો રજુ કરીને દર્શકોને ડોલાવી દીધા હતા. સાથે જણાવ્યું હતું કે હું સંગીતનો વિદ્યાર્થી છું. શિક્ષક પણ છું અને હંમેશા સંગીત સાથે જોડાયેલો રહીશ. મને આપના નગરમાં અમૂલ્ય તક આપવા બદલ આભાર વ્યક્ત કરૂં છું.
વરસાદી માહોલમાં વ્યારાનગરમાં સૌપ્રથમવાર પોતાના સુરીલા કંઠમાં પ્રજ્ઞાાચક્ષુ રાકેશકુમારે ગીતો રજુ કર્યા ત્યારે તાળીઓના ગડગડાટ સાથે સુંદર માહોલ બની ગયો હતો. સૌ શ્રોતાઓ તેમના મધુર કંઠ સાંભળીને આફરીન થઈ ગયા હતા.આ પ્રસંગે મુખ્ય મહેમાન ડો.મહેશભાઈ પટેલ(દાજી) , કાકરાપાર અણુમથક ડાયરેકટર માલવિયા, શ્રીમતિ માલવિયા,અવિનાશભાઈ જોષી સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. સંગીત સધ્યાના સફળ આયોજન માટે ડો.ભારતીબેન,જયેશભાઈ ચૌધરી,અર્શ ચૌધરી અને રાકેશજીના ધર્મપત્નિ મનિષાબેન ચૌધરીએ ભારે જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રીમતિ રશ્મિબેન જોષીએ કર્યું હતું.

