ઉમરેઠમાં ગણેશ વિસર્જનની યાત્રા દરમિયાન ડીજે વગાડવા મુદ્દે પોલીસ અને સ્થાનિક યુવાનો વચ્ચે ઘર્ષણ થયું હોવાનો બનાવ સામે આવ્યો છે. પોલીસે અવાજનું પ્રદૂષણ રોકવા માટે ડીજે બંધ કરાવવાનો પ્રયાસ કરતાં મામલો ગરમાયો હતો. જેના કારણે થોડા સમય માટે તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી. ગણેશ વિસર્જનની યાત્રા જ્યારે વિસર્જન સ્થળની નજીક પહોંચી ત્યારે રાત્રે 10 વાગ્યાનો સમય થયો હતો. સુપ્રીમ કોર્ટના નિયમો મુજબ રાત્રે 10 વાગ્યા પછી લાઉડસ્પીકર કે ડીજે વગાડી શકાતા નથી.
આ નિયમનું પાલન કરાવવા માટે પોલીસે ડીજે બંધ કરાવીને જપ્ત કરવાની કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસની આ કાર્યવાહીનો સરકાર ગ્રુપના યુવાનોએ ભારે વિરોધ કર્યો હતો. યુવાનોનો આક્ષેપ હતો કે તેમને આરતી પણ યોગ્ય રીતે વગાડવા દેવામાં આવી ન હતી અને તરત જ ડીજે બંધ કરાવવામાં આવ્યું. યુવાનોએ ડીજે જપ્ત કરવાનો વિરોધ કરતાં પોલીસ અને તેમના વચ્ચે શાબ્દિક બોલાચાલી થઈ હતી. પરિસ્થિતિ વણસતી જોઈને પોલીસે વધુ પોલીસ બંદોબસ્ત બોલાવ્યો હતો. થોડા સમય માટે ભારે હોબાળો મચ્યો હતો. પરંતુ ત્યારબાદ સમજાવટ અને મધ્યસ્થીથી મામલો થાળે પડ્યો હતો. પોલીસે કાયદાનું પાલન કરાવવા માટે ડીજે જપ્ત કરી પોલીસ મથકે લઈ ગઈ હતી.

