મહુવાના કાછલ ગામે ગણેશ વિસર્જન દરમિયાન એક અત્યંત દુઃખદ ઘટના બની છે. વિસર્જન કરવા ગયેલા ત્રણ યુવાનોમાંથી બેનો આબાદ બચાવ થયો છે. જ્યારે એક 37 વર્ષીય યુવાન ખાડીના પાણીમાં તણાઈ ગયો હતો. આ સમગ્ર ઘટનાને પગલે સ્થાનિકોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. ડૂબેલા યુવાનનું નામ ચેતન સુકર ચૌધરી હતું અને તે કાછલ ગામના ગૌચર ફળિયાનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.
માધ્યમો દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવા માટે તે તેના બે મિત્રો સાથે ખાડી કિનારે ગયો હતો. વિસર્જન બાદ ત્રણેય યુવાનો પાણીમાં હતા. ત્યારે અચાનક પાણીનું વહેણ વધી જતાં તેઓ ડૂબવા લાગ્યા હતા. આસપાસના લોકોએ મદદ માટે બૂમો પાડતા તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. જોકે બે યુવાનોને સમયસર બહાર કાઢી લેવામાં સફળતા મળી હતી. પરંતુ ચેતન ચૌધરી પાણીના તેજ પ્રવાહમાં તણાઈ ગયો હતો.ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક ફાયર બ્રિગેડ અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ફાયર અને પોલીસના જવાનો દ્વારા ખાડીમાં ચેતન ચૌધરીની શોધખોળ માટે સઘન રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. ગણેશ ઉત્સવની ઉજવણીના અંતિમ દિવસે બનેલી આ ઘટનાએ સમગ્ર વિસ્તારને શોકમાં ગરકાવ કરી દીધો છે.

