સુરત શહેરમાં કાપોદ્રા વિસ્તારમાં 15 વર્ષીય સગીરા પર પ્રેમ સંબંધ માટે દબાણ કરી અને ઇન્કાર કરતાં તેને બે થપ્પડ મારનાર 25 વર્ષીય રત્નકલાકાર યુવકને કોર્ટ દ્વારા 3 વર્ષની સખત કેદની સજા અને પાંચ હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો હતો.
આ કેસની વિગત અનુસાર મૂળ ભાવનગરનો રહેવાસી અને હાલ કાપોદ્રામાં રહેતો આરોપી 25 વર્ષીય રોહિત રતનભાઈ પરમાર તેના ઘર પાસે રહેતી 15 વર્ષીય કિશોરી સાથે ઘરના ફોન દ્વારા વાતચીત કરતો હતો. કિશોરીની માતાને આ વાતની જાણ થતાં તેણીએ પુત્રીને સમજાવી યુવક સાથે સંપર્ક બંધ કરાવ્યો હતો. બાદમાં 25 ડિસેમ્બર, 2024ના રોજ કિશોરી દૂધ લઈને ઘરે પરત ફરી રહી હતી ત્યારે યુવકે તેને રોકી જણાવ્યું હતું કે તુ મને ફોન કે મેસેજ કેમ કરતી નથી, જેના જવાબમાં કિશોરીએ મારે તારી સાથે કોઈ વાત કરવી નથી, જેથી આરોપી રોહિત ઉશ્કેરાયો હતો, અને કિશોરીને ગાલ પર બે થપ્પડ માર્યા હતા.બાદમાં ત્યાંથી ચાલ્યો ગયો હતો.
આ અંગે કિશોરીએ પરિવારને જાણ કરતાં પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.કેસની સુનાવણી દરમ્યાન બચાવ પક્ષે આરોપીને ખોટી રીતે ફસાવ્યાનો દાવો કર્યો હતો, પરંતુ સરકારી વકીલ એપીપી મુંજાલ બ્રહ્મભટ્ટની દલીલ બાદ કોર્ટએ આરોપી રોહિત પરમારને દોષિત ઠેરવી 3 વર્ષની સખત કેદની સજા અને પાંચ હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો હતો.કોર્ટના ચુકાદામાં જણાવાયું કે, આરોપીએ સગીરાને સંબંધ રાખવા દબાણ કરી જાતીય સતામણી કરવાના ઈરાદે છેડછાડ કરી હતી. આવી માનસિકતા ધરાવતા લોકોને કડક સજા કરવી જરૂરી છે, નહીં તો સમાજમાં ખોટો સંદેશ જાય. જોકે આરોપીનો કોઈ ગુનાહિત ઈતિહાસ નથી અને પરિવારની જવાબદારી પણ તેના ખભા પર છે, છતાં ન્યાયના હિતમાં 3 વર્ષની સખત કેદની સજા ફરમાવવામાં આવી છે.

