ગ્રાહકો માટે મહત્વની ગણાતી સુરતની બે ગ્રાહક કમિશનમાં હાલ કામગીરી સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે. કલેક્ટર દ્વારા મંજૂર કરાયેલ એકમાત્ર એજન્સીએ છેલ્લા બે મહિનાથી ક્લેરિકલ સ્ટાફને કોઈપણ પૂર્વ સૂચના કે જાણકારી આપ્યા વગર પગાર ચૂકવ્યો નથી. પરિણામે 19 ઓગસ્ટ 2025થી બંને કમિશનમાં નોટિસો ઇસ્યુ થતી નથી, હુકમની કે અન્ય દસ્તાવેજોની પ્રમાણિત નકલો મળતી નથી અને પક્ષકારો જવાબો, કાઉન્ટર એફિડેવિટ કે પુરાવા રજૂ કરી શકતા નથી.
ગ્રાહક પરિષદના પ્રમુખ એડવોકેટ શ્રેયસ દેસાઈએ ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, સુરતમાં દર મહિને સરેરાશ 300થી વધુ ગ્રાહકો ફરિયાદો નોંધાવે છે અને હાલ બંને કમિશનમાં પેન્ડિંગ કેસોની સંખ્યા અંદાજિત 4000 સુધી પહોંચી ગઈ છે. આવી સ્થિતિમાં કામગીરી બંધ થઈ જવી અત્યંત ગંભીર બાબત છે અને સંબંધિત તંત્રે તાત્કાલિક પગલાં લેવાની જરૂરિયાત છે.

