તાપી જિલ્લામાં આરોગ્યલક્ષી વિવિધ કામગીરી સાથે સંકળાયેલ આશાવર્કરોને આયુષ્યમાન કાર્ડ, લેપ્રસી સરવે સહિતની વિવિધ કામગીરીના વળતર ચુકવવામાં અન્યાય થઈ રહ્યો હોય, જે મુદ્દે યોગ્ય વળતર તાકીદે ચુકવવામાં આવે નહીંતર આગામી ૨૫ સપ્ટેમ્બર પછી અચોક્કસ મુદતની હડતાળ ઉતરવાની ચીમકી ઉચ્ચારી હતી.
તાપી જિલ્લા સેવા સદન ખાતે મંગળવાર નારોજ એકત્રિત થયેલ આશાવર્કરોએ પડતર પ્રશ્નો અંગે રોષ ઠાલવતા જણાવ્યું હતું કે, અમારી પાસે આયુષ્યમાન કાર્ડની કામગીરી કરાવવામાં આવી અને કાર્ડદીઠ રૂ.૧૦ વળતર ચુકવવાનું હોય જે પણ એપ્રિલ-૨૫થી જ ચુકવવાનું કહેવામાં આવે છે, જે જાન્યુઆરીથી ચુકવવામાં આવે, લેપ્રસી સર્વેમાં રૂ.૫૦ જેટલું વળતર ચુકવવામાં આવે છે જે ખુબ ઓછું છે, આજે મજૂરીના રૂ.૨૦૦ મજૂરોને ચુકવાઈ રહ્યા છે. આશાવર્કરોને આયુષ્યમાન કાર્ડ, લેપ્રસી સરવેના વળતર, આભાકાર્ડના વળતર યોગ્ય રીતે ચુકવવામાં આવે તેમજ ટેકો મોબાઇલની સુવિધા પુરી પાડવા જિલ્લાસ્તરે રજુઆત કરી હતી. જો માંગણી ન સંતોષાય તો ૨૫ સપ્ટેમ્બર બાદ અચોક્કસ મુદતની હડતાળની ચીમકી ઉચ્ચારી હતી.

