તાપીના સોનગઢ ખાતે આદિવાસી સમાજ દ્વારા જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં આદિવાસીઓ પર થઈ રહેલા દમનના આક્ષેપો સામે ભારે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. રેલીમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો જોડાયા હતા, જેમાં જિલ્લા અને રાજ્યસ્તરના કોંગ્રેસના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.
મંગળવાર નારોજ સવારે સોનગઢમાં આદિવાસી સમાજના સેંકડો લોકો પરંપરાગત વાદ્યો સાથે એકઠા થયા હતા. તેઓ હાથમાં વિવિધ વિરોધના પ્લેકાર્ડ્સ લઈને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતા આગળ વધ્યા. રેલી દરમિયાન યુવાનો ઢોલ વગાડીને આદિવાસી સંસ્કૃતિ મુજબ નાચતા-ગાતા જોવા મળ્યા. પોલીસે ચુસ્ત બંદોબસ્ત સાથે આ રેલીને કડક સુરક્ષામાં આગળ ધપાવી હતી.આ પ્રસંગે વાંસદા બેઠકના ધારાસભ્ય અને વ્યારાના પૂર્વ ધારાસભ્ય સહિત જિલ્લા કોંગ્રેસના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસના નેતાઓએ આદિવાસી સમાજની સમસ્યાઓને ઉકેલવા સરકારને હાકલ કરી. ખાસ કરીને દક્ષિણ ગુજરાત કોંગ્રેસ પ્રભારી ઉષા નાયડુ દિલ્હીથી આવી હાજર રહ્યા હતા. તેમણે જણાવ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા વોટ ચોરી જેવી પ્રવૃત્તિઓ થઈ રહી છે, જે લોકશાહી માટે ગંભીર જોખમ છે.
અગાઉ પમ્પિંગ હાઈડ્રો સ્ટોરેજ પ્રોજેક્ટના સર્વે માટે પોલીસ પ્રોટેક્શન સાથે અધિકારીઓની ટીમ સાતકાશીના આસપાસના વિસ્તારમાં ગઈ હતી. ત્યારે આદિવાસી સમાજે વિરોધ નોંધાવ્યો હતો, જેમાં પોલીસે ટીયર ગેસના ગોળા છોડ્યા અને હળવો બળપ્રયોગ કર્યો હતો. લોકોએ આક્ષેપ કર્યો હતો કે પોલીસે એક્સપાયરી ડેટવાળા ટીયર ગેસના સેલનો ઉપયોગ કર્યો હતો. તેમની માંગ હતી કે ગ્રામસભા બોલાવ્યા બાદ જ આવા પ્રોજેક્ટ માટે અધિકારીઓ આવે, જેને લઈને આજની જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આંદોલનમાં હાજર ધારાસભ્ય અનંત પટેલે ઉગ્ર સ્વરમાં જણાવ્યું કે, આદિવાસી સમાજ પર થતા દમન સામે લડત છેલ્લે સુધી ચાલુ રહેશે. તેમણે આદિવાસીઓને એકતા સાથે આગળ આવવાની અપીલ કરી. રેલીમાં મહિલાઓ અને યુવાનોની નોંધપાત્ર હાજરી જોવા મળી, જેના કારણે સોનગઢ શહેરમાં જુસ્સો છવાયો હતો.રેલી દરમિયાન જાહેરસભાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.
સભામાં સમાજના આગેવાનો અને રાજકીય નેતાઓએ એક પછી એક ભાષણો આપીને સરકાર વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો. સભા બાદ આદિવાસી સમાજના પ્રતિનિધિઓએ સોનગઢ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું. આવેદનપત્રમાં સ્પષ્ટ માંગ કરવામાં આવી કે જિલ્લાભરમાં આદિવાસીઓ પર થતું દમન તાત્કાલિક બંધ કરવામાં આવે.સોનગઢ ખાતે યોજાયેલી આ જન આક્રોશ રેલીમાં આદિવાસી સમાજનો ભારે ઉમળકો જોવા મળ્યો. એક તરફ પરંપરાગત ઢોલ-નૃત્ય સાથે આક્રોશ વ્યક્ત થયો, તો બીજી તરફ રાજકીય નેતાઓએ સરકાર પર સખત આક્ષેપો કરીને સંદેશ આપ્યો કે આદિવાસીઓ પર દમન હવે સહન નહીં થાય.

