કાકરાપાર ટાઉનશીપની વિદ્યાર્થીની પાસે પિતાના મિત્ર હોવાની ઓળખ દર્શાવીને ભેજાબાજે રૂપિયા ૮૫ હજાર જેટલી રકમ ટ્રાન્સફર કરાવી લઈ ઓનલાઈન છેતરપીંડી કરતા વિદ્યાર્થીનીએ પોલીસ મથકે ફરીયાદ કરી છે. મળતી માહિતી પ્રમાણે વ્યારા તાલુકાના કાકરાપાર ટાઉનશીપમાં રહેતી વિદ્યાર્થીનીના મોબાઈલ નંબર પર તા.0૮-0૮-૨૦૨૫ ના રોજ અજાણ્યાનો કોલ આવતા તેણે તેમના પિતાનું નામ આપી તથા પિતાના મિત્ર હોવાનું જણાવી રૂ.૧૫ હજાર તારા એકાઉન્ટમાં નાંખવા જણાવ્યું હોવાનું કહ્યું હતું.
ત્યારબાદ તેણીના મોબાઇલમાં રૂ.૫૦ હજાર જમાં થયાના મેસેજ આવતા અજાણ્યાએ ભુલથી વધારે નાણાં ટ્રાન્સફર થયા હોવાનું જણાવી રિટર્ન કરવા વિદ્યાર્થિનીને કહ્યું હતું. તેણીએ થોડા-થોડા કરીને રૂ.૬૫ હજાર અજાણ્યાને રિટર્ન કર્યા હતા. પરંતુ ત્યારબાદ ફરીથી અજાણ્યાએ હજુ પણ ભુલથી ૪૫૦૦૦ ખાતામાં ટ્રાન્સફર થઈ ગયા હોવાનું જણાવ્યું હતું. જેથી વિદ્યાર્થિનીએ રૂ.૨૦ હજાર ટ્રાન્સફર કરી દીધા હતા. અજાણ્યાએ પિતાના મિત્ર જયદિપ શર્મા હોવાની વાતચીત કરી નાણાં ટ્રાન્સફર કરાવી લીધા હતા, કુલ રૂ.૮૫ હજાર જેટલી રકમ વિદ્યાર્થિનીએ ટ્રાન્સફર કરી દીધી હતી. તેણીના ખાતામાં કોઈ રકમ અજાણ્યાએ મોકલી ન હોવા છતાં વિદ્યાર્થીની પાસે નાણાં ટ્રાન્સફર કરાવી ઓનલાઇન છેતરપીંડી કરી ગુનો કર્યાની ફરિયાદ સાયબર હેલ્પલાઇન ઉપર કરી હતી. આ મામલે કાકરાપાર પોલીસે તા.૨૫મી ઓગસ્ટ નારોજ બનાવ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

