પાવરગ્રીડના સબ સ્ટેશન બાંધવા માટે ઓલપાડમાં કુલ ક્ષેત્રફળ ૪૬-૦૭-૮૬ ચો.મી. જમીન સંપાદન કરવા માટે જારી કરાયેલા જાહેરનામાંનો ખેડૂત સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. અને આ અંગે મહેસૂલના ઉપસચિવ રાજ નમેરાને આવેદન પાઠવ્યું છે અને ખોટી અને અધૂરી માહિતી ધરાવતું અને કોઈ ચોક્કસ જૂથને લાભ કરાવનારું જાહેરનામું રદ કરવા માંગ કરી છે.
ખેડૂત સમાજે મહેસૂલના ઉપસચિવને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર “પાવરગ્રીડ સાઉથ ઓલપાડ ટ્રાન્સમિશન ૭૬૫ કે.વી.સબ સ્ટેશન”નાં આંતરમાળખાકીય પ્રોજેકટ માટે સબ સ્ટેશન બાંધવા ઓલપાડની કુલ્લ ક્ષેત્રફળ ૪૬-૦૭-૮૬ ચો.મી. જમીન સંપાદન કરવા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. જોકે આ જાહેરનામામાં જે સંપાદિત થનાર જમીનનો વિસ્તાર (ક્ષેત્રફળ) અને જમીન અંગેની અન્ય માહિતી અધૂરી અને ખોટી રીતે દર્શાવવામાં આવેલ હોય એવું જમીન અંગેને દસ્તાવેજો ચકાસતા જણાયું છે. આ સંજોગોમાં જમીન સંપાદન કાયદાનાં પ્રાવધાનો મુજબ સાચી અને ચોક્કસ માહિતી દર્શાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવું ખૂબ જરૂરી હોય છે. જેથી આ જાહેરનામું કોઈ ચોક્કસ જૂથને લાભ કરાવવા માટે પ્રોજેક્ટનાં અધિકારીઓ દ્વારા ઈરાદાપૂર્વક ખોટી અને અધૂરી માહિતી આપવામાં આવી હોય એવું સ્પષ્ટ પણે જણાઈ આવે છે.
વધુ જણાવ્યા અનુસાર જાહેરાતમાં દર્શાવેલા બ્લોક નંબરો પૈકી ફકત ૧૧ બ્લોક નંબર ખેતીનાં છે અને બાકીનાં ૨૩ બ્લોક નંબરો બીનખેતીનાં થયેલી છે. અને બીનખેતીના ૨૩ બ્લોક નંબર પૈકી ૧૫ બ્લોક નંબરો જાન્યુઆરી ૨૦૨૫ પછી બિનખેતી થયેલા હોય એવું રેવન્યુ રેકોર્ડ પરથી સ્પષ્ટ જણાય છે. પાવરગ્રીડ ઓલપાડ સાઉથ ટ્રાન્સમિશન કંપની લી.એ ભારત સરકારની માલિકીની પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમીટેડની ૧૦૦ સબસીડીયરી કંપની હોય પાવરગ્રીડ સાઉથ ઓલપાડ ટ્રાન્સમિશન કંપનીનાં અધિકારી તેમજ રાજકીય વગ ધરાવતા ચોક્કસ જૂથને લાભ કરવા માટે દેશમાં ટેક્સ ભરતા નાગરિકોના નાણાંનો દુરુપયોગ થઈ રહયો હોય એવું લાગે છે.
ઓલપાડ ની ખેતીની જંત્રી ૬૦૦ રૂપિયા રહેણાંકની જંત્રી ૧૮૦૦ રૂપિયા, ઈન્ડસ્ટ્રીયલ જંત્રી ૨૦૦૦ રૂપિયા અને વાણિજય જંત્રી ૨૬૦૦ રૂપિયા છે. અને એ હકીકત ધ્યાને લેવમાં આવે તો જમીન સંપાદન કરવાથી ચૂકવવાની રકમમાં ખૂબ મોટો તફાવત આવે એમ છે. અને જે ટેક્સ ચૂકવતા નાગરિકોનાં રૂપિયાનો સદંતર દૂર ઉપયોગ થતો હોય એવું જણાય છે. ગુજરાત સરકારની નિતિ મુજબ સબસ્ટેશન તેમજ ટાવર લાઈન માટે સરકારની ખાર ખરાબાની તેમજ અન્ય બિનઉપયોગી જમીનનો ઉપયોગ કરવો એવું વખતોવખત સરકારના પ્રતિનિધિઓ દ્વારા જાહેરાત કરવામાં આવે છે. એ સંજોગોમાં ઓલપાડની જમીન રહેઠાણ વિસ્તાર થી ખૂબ જ નજીકની છે અને ભવિષ્યમાં સુરત શહેરમાં વિકાસ નકશો ધ્યાને લઈએ તો અહીં ખૂબ જ મોટા પ્રમાણમાં રહેઠાણ બનવાની શક્યતા છે. અને સબસ્ટેશન બાંધવાથી વીજ વિતરણ વ્યવસ્થા હેઠળ ત્યાંથી બહાર નીકળતા ટાવરો થકી આજુબાજુનાં સુરત જિલ્લાનાં ઓલપાડ, માંગરોળ, કામરેજ, બારડોલી, પલસાણા તેમજ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર, હાંસોટ, ભરૂચ, વાગરા, જંબુસર, આમોદ તાલુકાના ખેડૂતોને ટાવર લાઈન જવાથી ખૂબ મોટું નુકસાન થવાનું છે. જેથી આ જાહેરનામું રદ કરવા માંગ છે.

