મહારાષ્ટ્રમાં ભારે વરસાદને પગલે ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. ડેમનું રૂલ લેવલ ૩૩૫ ફૂટ પર જાળવી રાખવા તંત્ર દ્વારા ૬૭ હજાર ક્યૂસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે, તેમ છતાં ઉકાઈ ડેમની સપાટીએ રૂલ લેવલ વટાવી દીધું છે. ડેમનું રૂલ લેવલ ૩૩૫ ફુટ છે. પરંતુ હાલ ઉકાઈ ડેમ ૩૩૫.૭૧ ફૂટ પર વહી રહ્યો છે. એટલે કે રૂલ લેવલથી ઉપર પાણી વહી રહ્યું છે, ઉકાઈ ડેમની સંપૂર્ણ ભરાવ ક્ષમતા ૩૪૫ ફૂટ જેટલી છે. ઉકાઈ ડેમમાં પાણીની આવક યથાવત રહેતા તંત્ર દ્વારા ડેમના ૫ દરવાજા ખોલીને તાપી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે.
મળતી વિગતો પ્રમાણે તારીખ ૨૫મી ઓગસ્ટ નારોજ રાત્રે ૧૦:૦૦ કલાકે ઉકાઈ ડેમમાં હાલ ૬૭,૫૮૪ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેના કારણે ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે ઉકાઈ ડેમના ૫ દરવાજા ૫ ફૂટ ખોલીને ડેમમાંથી ૬૭,૫૮૪ ક્યુસેક પાણીનો જથ્થો તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. હાલ ડેમની સપાટી ૩૩૫.૭૧ ફૂટે પહોંચી છે, ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા તાપી નદીમાં પાણીના નવા નીર આવ્યા છે. જેને લઈને નદી કિનારાના ગામો અને ખેતરોમાં પાણી ભરાવાનો ભય છે. તંત્રએ સ્થાનિક લોકોને અને માછીમારોને નદીના પટમાં અવરજવર ન કરવા માટે સૂચના આપી છે. આ ઉપરાંત, સુરત સહિતના નીચાણવાળા વિસ્તારોને પણ સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને.
આ વરસાદી માહોલમાં ઉકાઈ ડેમમાં પાણીની આવક એ ખેડૂતો અને નાગરિકો માટે રાહતના સમાચાર છે, કારણ કે આ પાણીનો ઉપયોગ સિંચાઈ અને પીવાના પાણી માટે થઈ શકશે. ઉકાઈ ડેમમાં પાણીની આવક યથાવત રહેતા આગામી દિવસોમાં પણ ડેમમાંથી પાણી છોડવાની પ્રક્રિયા ચાલુ રહી શકે છે. વહીવટી તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને જરૂર પડશે તો વધુ દરવાજા ખોલવા માટે તૈયાર છે. આ પાણી છોડવાથી નદીના પ્રવાહમાં વધારો થશે, તેથી લોકોને સાવચેતી રાખવાની અને તંત્રની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે. આ ડેમ તાપી જિલ્લા અને સુરત શહેર માટે જીવાદોરી સમાન છે અને તેમાં પાણીની આવક થવાથી જળ સંકટનો ભય ટળ્યો છે.

