Explore

Search

December 18, 2025

Contact us -7820092500

IAS Coaching

ઉકાઈ ડેમની સપાટી 334.83 ફૂટે પહોંચી

તાપી જિલ્લામાં ભારે વરસાદને કારણે ઉકાઈ ડેમમાં પાણીની આવક યથાવત રહેતા તંત્ર દ્વારા ડેમના 9 દરવાજા ખોલીને તાપી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. તારીખ 20મી ઓગસ્ટ નારોજ રાત્રે ૯:૩૦ કલાકે મળતી વિગતો પ્રમાણે ઉકાઈ ડેમમાં હાલ 1,40,070 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેના કારણે ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે ઉકાઈ ડેમના 2 દરવાજા 8 ફૂટ અને 7 દરવાજા 7 ફૂટ ખોલીને ડેમમાંથી 1,25,654 ક્યુસેક પાણીનો જથ્થો તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. હાલ ડેમની સપાટી હાલ 334.83 ફૂટે પહોંચી છે, જે તેની ભયજનક સપાટીની નજીક છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, તંત્ર દ્વારા સુરક્ષાના ભાગરૂપે પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી નીચાણવાળા વિસ્તારો અને તાપી નદીના કિનારે આવેલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા તાપી નદીમાં પાણીના નવા નીર આવ્યા છે. જેને લઈને નદી કિનારાના ગામો અને ખેતરોમાં પાણી ભરાવાનો ભય છે. તંત્રએ સ્થાનિક લોકોને અને માછીમારોને નદીના પટમાં અવરજવર ન કરવા માટે સૂચના આપી છે. આ ઉપરાંત, સુરત સહિતના નીચાણવાળા વિસ્તારોને પણ સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને. આ વરસાદી માહોલમાં ઉકાઈ ડેમમાં પાણીની આવક એ ખેડૂતો અને નાગરિકો માટે રાહતના સમાચાર છે, કારણ કે આ પાણીનો ઉપયોગ સિંચાઈ અને પીવાના પાણી માટે થઈ શકશે.ઉકાઈ ડેમમાં પાણીની આવક યથાવત રહેતા આગામી દિવસોમાં પણ ડેમમાંથી પાણી છોડવાની પ્રક્રિયા ચાલુ રહી શકે છે. વહીવટી તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને જરૂર પડશે તો વધુ દરવાજા ખોલવા માટે તૈયાર છે. આ પાણી છોડવાથી નદીના પ્રવાહમાં વધારો થશે, તેથી લોકોને સાવચેતી રાખવાની અને તંત્રની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે. આ ડેમ તાપી જિલ્લા અને સુરત શહેર માટે જીવાદોરી સમાન છે અને તેમાં પાણીની આવક થવાથી જળ સંકટનો ભય ટળ્યો છે.

Advertisement
error: Content is protected !!