પાંડેસરા કૈલાશ નગરમાં રહેતા યુવકનું ઘરના ત્રીજા માળે છત પરથી નીચે પટકાતા ગંભીર ઇજાને પગલે તેનું મોત થયું હતું. યુવક અકસ્માતે નીચે પટકાયો કે આપઘાત કર્યો તે અંગે હાલ રહસ્ય સર્જાયું છે.પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ ઉત્તરપ્રદેશ ગોરખપુરના વતની અને હાલ પાંડેસરા વિસ્તારમાં આવેલ કૈલાશ નગરમાં રહેતા દયાશંકર ગુપ્તા કલર કામ કરી પરિવારનું ભરણપોષણ કરે છે. તેઓને સંતાનમાં ત્રણ પુત્ર અને એક પુત્રી છે.
દયાશંકરના ત્રણ પુત્ર પૈકી ૨૭ વર્ષીય પુત્ર મહેશ ફર્નિચરનું કામ કરી પરિવારને આર્થિકરીતે મદદરૂપ થતો હતો. સાંજે મહેશ ઘરના ત્રીજા માળે આવેલ છત પરથી નીચે પટકાતા ગંભીર ઇજા પહોંચી હતી. જેથી ૧૦૮માં તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી તેને મૃત જાહેર કર્યો હતો. મહેશ છત પરથી અકસ્માતે નીચે પટકાયો છે કે આપઘાત કર્યો તે અંગે હાલ રહસ્ય સર્જાયું છે. આ બનાવ અંગે વધુ આગળની તપાસ પાંડેસરા પોલીસ કરી રહી છે.

