અમરોલીમાં રહેતી શિક્ષિકાએ લગ્નના પાંચ વર્ષમાં જ પતિ, સાસુ-સસરા અને બે નણંદના ત્રાસથી કંટાળીને ઝેરી દવા ગટગટાવી લીધી હતી. અમરોલી પોલીસે શિક્ષિકાના પતિ, બે નણંદ, સાસુ-સસરા વિરુદ્ધ આપઘાત દુષ્પ્રેણાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર મૂળ અમરેલી જિલ્લામાં બાબરા તાલુકાના ખાખરીયા ગામના વતની અને હાલ અમરોલી કોસાડ આવાસ નજીક આવેલ પ્રમુખ હાઈટ્સમાં રહેતા નિલેશભાઈ નારોલા પત્ની ૩૧ વર્ષીય આરતીબેન સાથે રહે છે. નિલેશભાઈના આરતી સાથે પાંચ વર્ષ પહેલા લગ્ન થયા હતા. નિલેશભાઈ સરથાણા વિસ્તારમાં પોતાનું ફિઝિયોથેરાપીનું ક્લિનિક ચલાવે છે. જ્યારે આરતીબેન શિક્ષક તરીકે ઘરે ટ્યુશન ક્લાસ ચલાવે છે. આરતીબેનને પતિ નિલેશભાઈ તથા બે નણંદો, સાસુ-સસરા ઘરમાં કોઈકને કોઈક બાબતને લઈ ઝઘડાઓ કરી ટોર્ચર કરતા હતા તથા તમારા માતા-પિતાએ તમને કરિયાવરમાં કંઈ લઈ આપ્યું નથી તેમ કહી માનસિક ત્રાસ આપતા હતા. જેથી કંટાળીને અંતે આરતીબેને રવિવારે સવારે ઘરે ઝેરી દવા પી લીધી હતી. ઘટનાની જાણ પતિને થતા જ તેણીને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં આરતીબેનનું રવિવારે મોડી રાત્રે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. અમરોલી પોલીસ દ્વારા આ મામલે મૃતક આરતીબેનના પતિ નિલેશભાઈ, બંને નણંદ, સાસુ-સસરા વિરુદ્ધ આપઘાત દુસ્પ્રેરણાનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

