સુરતના લિંબાયતમાં આસપાસનગરમાં માથાભારે વિશાલ અને રાકેશ વાઘને ટોળકીએ ગણપતિ આગમન વખતે નાચવાના ઝઘડાની અદાવત રાખી ત્રણને ચપ્પુ હુલાવી આતંક મચાવ્યો હતો. એક યુવકને જીવલેણ ઈજા થતાં પોલીસે હત્યાની કોશિશનો ગુનો નોંધી બેની ધરપકડ કરી હતી.
પોલીસ સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે આસપાસનગરમાં રહેતો જયેશ ઉર્ફે સોનિયા સુકલાલ મડાણે શનિવારે બપોરે તેના ઘરમાં હતો ત્યારે શેરીમાં બૂમાબૂમ સાંભળી બહાર ધસી ગયો હતો. સોસાયટીમાં જ રહેતા અને ગુનાહિત ભૂતકાળની લાંબી લિસ્ટ ધરાવતા વિશાલ ગોરખ વાઘ અને તેનો ભાઇ રાકેશ ઉર્ફે રાક્યો ગોરખ વાઘ બે સાગરીતો સચિન કોળી, નિલેશ શેયા સાથે ચપ્પુ અને લાકડાના ફટકા સહિતના હથિયારો સાથે જયેશના મામા દિનેશ યુવરાજ મગરે તેના પુત્ર રાહુલ મગરેને મારી રહ્યા હતા. બંનેને સાથળ પર ચપ્પુના ઘા માર્યા હતા.મામા અને તેના પુત્રને બચાવવા માટે જયેશ વચ્ચે પડતાં ટપોરીઓએ તેને નિશાન બનાવ્યું હતું. છાતી, સાથળ અને હાથના કાંડા પર ચપ્પુ મારી જીવલેણ ઈજા પહોંચાડી હતી. બચવા માટે ભાગવાની કોશિશ કરનાર જયેશને ફરી ટાર્ગેટ કરી માથા અને નાક પર ફટકા મારી લોહીલુહાણ કરી નાંખતાં ત્યાં જ ફસડાઈ પડયો હતો. ગંભીર ઈજાને પગલે દોડતી થયેલી પોલીસે હત્યાની કોશિશનો ગુનો નોંધી બેને ઝડપી લીધા હોવાનું જાણવા મળે છે. તાજેતરમાં ગણપતિ આગમન વખતે નાચવાને લઈ થયેલાં ઝઘડાની અદાવતમાં આ હુમલો કરાયો હોવાનું ઇન્સ્પેક્ટરએ જણાવ્યું હતું.

