વલસાડના બસ ડેપોમાં પાર્ક કરેલા ટેમ્પોમાં એક બાળકે હેન્ડ બ્રેક ખેંચી લેતા ટેમ્પો ચાલવા માંડ્યો હતો અને સીધો જ મુસાફરોને જઈને અથડાયો હતો. ટેમ્પો ચાલક બાળકના ભરોસે ટેમ્પો છોડીને ચા પીવા ગયો હતો અને આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ત્રણેક મુસાફરોને ઈજા પહોંચી હતી. જેમાં એક મુસાફરને ઈજા થતાં તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે વલસાડ બસ સ્ટેશનમાં એક ટેમ્પોનો ચાલક હેન્ડ બ્રેક લગાવીને ચા પીવા ગયો હતો.
આ ટેમ્પોમાં એક બાળક બેઠો હતો. આ બાળકે ટેમ્પોની હેન્ડ બ્રેક ઉતારી લીધી હતી અને ટેમ્પો ચાલવા માંડ્યો હતો. ઢાળ પરથી ટેમ્પો ચાલવા માંડ્યો હતો અને બસના પ્લેટફોર્મ સાથે અથડાયો હતો. આ દરમિયાન કેટલાક મુસાફરો ટેમ્પોની અડફેટે આવ્યા હતાં. જેમાં બે ત્રણ મુસાફરોને ઈજા પહોંચી હતી. એક મુસાફરને વધુ ઈજા થતાં તેને સારવાર અર્થે ખસેડાયો હતો.બીજી તરફ આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. ડ્રાઈવરની બેદરકારીને કારણે નિર્દોષ લોકોને ઈજાનો ભોગ બનવું પડ્યું છે.

