સુરતમાં હત્યાના સિલસિલા વચ્ચે લિંબાયતના સંજયનગરમાં ધોળે દિવસે એકને રહેંસી નાંખવામાં આવતાં પોલીસ દોડતી થઈ હતી. હત્યામાં સંડોવાયેલા યુવક સહિત બેને ડિટેઇન કરાયા હતા.
સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે રવિવારે સાંજે ઘટના પ્રકાશમાં આવી હતી. આસ્તિકનગરમાં રહેતા અરુણ રવીન્દ્ર પાટિલને હત્યાના ઈરાદે ચપ્પુના ઘા ઝીંકવામાં આવ્યાની વિગતોને પગલેની ટીમ દોડતી થઈ હતી. ઘાયલને હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જોકે તે પહેલાં જ તેનું મૃત્યુ થયાનું બહાર આવ્યું હતું. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે તપાસ કરતાં મૃતકનો મહોલ્લામાં જ રહેતા દાદુ નામના શખ્સ સાથે ઝઘડો થયો હતો. તેની અદાવતમાં દાદુએ તેની હત્યા કરી હોવાનું સ્પષ્ટ થયું હતું. દરમિયાન પોલીસે દાદુ અને તેના સાગરીત સન્નીને દબોચી લીધા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી અને મૃતક વચ્ચે અપશબ્દો બોલવાને લઈ ઝઘડો થયો હતો. તેની અદાવત રાખી સાંજે અરુણ પાટિલને આરોપીઓએ આસ્તિક નગર અને રત્નપ્રભા સોસાયટી તરફ જતાં રોડ પર આવેલી નિરંકારી કિરાણા સ્ટોર્સ પાસે આંતરી ચપ્પુના ઘા ઝીંક્યા હતા. મૃતક અને આરોપી બંને ગુનાહિત ભૂતકાળ ધરાવતા હોવાનું પોલીસે જણાવ્યું હતું. પોલીસે અહીંથી સીસીટીવી ફૂટેજ પણ કબજે કર્યા હતા. હત્યાનું ચોક્કસ કારણનો તાગ મેળવવા પોલીસે મૃતકનાં પરિવાર અને અટકાયતમાં લેવાયેલા આરોપીઓ વધુ પૂછપરછ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે ગત શનિવારે ડુંભાલમાં આલોક અગ્રવાલની ઘાતકી હત્યા થઈ હતી. બીજા અઠવાડિયે વધુ એકની હત્યાને પગલે પોલીસ દોડતી થઇ છે.

