સુરત સુધીની મુસાફરી કરતા મુસાફરો માટે સારા સમાચાર છે. ભુજથી સુરતનું અંતર માત્ર એક કલાકમાં કપાઈ જશે. કારણ કે આગામી સમયમાં ભુજ-સુરત વચ્ચે દૈનિક વિમાની સેવાનો આરંભ થવાનો છે.ભુજ-અમદાવાદ વચ્ચે સ્ટાર એરની દૈનિક વિમાની સેવા ચાલું હતી. પરંતુ કોન્ટ્રાક્ટ પૂર્ણ થવાના કારણે તેને ૩ જુન 2025થી બંધ કરવામાં આવી હતી.
હવે ભુજ-સુરત વચ્ચે સ્ટાર એર દ્વારા નવી ફલાઈટ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે.23 ઓગસ્ટ 2025ના રોજ આ વિમાન સેવા શરૂ થશે. 50 સીટર ફ્લાઈટની આ વિમાની સેવાની ઓનલાઈન ટિકિટ બુકિંગનો દર 3 હજારની આસપાસ રાખવામાં આવ્યો છે.23મી ઓગસ્ટથી શરૂ થનારી ફ્લાઈટ સુરત એરપોર્ટથી સવારે 10:45 વાગ્યે ટેક-ઓફ કરીને 11:45 વાગ્યે ભુજ એરપોર્ટ ખાતે લેન્ડિંગ કરશે. ત્યારબાદ ભુજથી બપોરે 12:10 વાગ્યે ટેક-ઓફ કરીને 1:10 વાગ્યે સુરત પાછી ફરશે. આ વિમાની સેવા ભુજથી મુંબઇ પહોંચવા માટે પણ ઉપયોગી સાબિત થશે.

